
ભાવનગર 14 એપ્રિલ (હિ.સ.) ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા મંડળના વિવિધ રેલવે સ્ટેશનો તેમજ મીટર ગેજ રેલ ખંડનું વ્યાપક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બ્રોડ ગેજના ખોડિયાર મંદિર, સિહોર જંકશન, સોનગઢ, સણોસરા અને ધોળા જંકશન સહિત મીટર ગેજ ખંડના સવની, તાલાલા જંકશન, કાંસીયાનેશ, સાસણ ગીર અને વિસાવદર સ્ટેશનોની મુલાકાત લેવામાં આવી હતી.
નિરીક્ષણ દરમિયાન મંડલ રેલ પ્રબંધકે રેલ પરિચાલન, સંરક્ષા વ્યવસ્થા અને યાત્રી સુવિધાઓનું સઘન અવલોકન કર્યું હતું. તેમણે મીટર ગેજ ખંડના વિકાસ અને તેની વિશિષ્ટ ઓળખને વધુ મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. સાથે સાથે સ્ટેશનોના ભાવિ પુનર્વિકાસ (રીડેવલપમેન્ટ) માટેની યોજનાઓ અંગે મંડળના શાખા અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
વર્માએ મીટર ગેજ ખંડની વારસાગત વિશેષતાઓ, માળખાકીય સ્થિતિ અને પર્યટન સંભાવનાઓનું વ્યાપક મૂલ્યાંકન કર્યું હતું. ખાસ કરીને ગીર વિસ્તારમાં જોડાયેલા આ માર્ગને “રેલ સફારી” તરીકે વિકસાવવા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં સાસણ ગીર (SASG) સહિત અન્ય સ્ટેશનોના ઉન્નતિકરણ સાથે તેમની ઐતિહાસિક ઓળખ જાળવી રાખીને આધુનિક સુવિધાઓ વિકસાવવા અંગે ચર્ચા થઈ હતી.
નિરીક્ષણ દરમિયાન ટ્રેક માળખું, સિગ્નલિંગ સિસ્ટમ, પ્લેટફોર્મ વ્યવસ્થા, મુસાફર સુવિધાઓ, સુરક્ષા અને સંરક્ષા વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંડલ રેલ પ્રબંધકે તમામ વિકાસ કાર્યોને નિર્ધારિત ગુણવત્તા ધોરણો અને સુરક્ષા નિયમો મુજબ સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી, જેથી રેલ પરિચાલન ક્ષમતા વધે અને મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ મળી શકે.
તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા, સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા જાળવવા અને યાત્રી સુવિધાઓમાં સતત સુધારો કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પર ભાર મૂક્યો હતો.
આ નિરીક્ષણ કાર્યક્રમ ખૂબ જ સકારાત્મક અને દૂરંદેશી રહ્યો, જેમાં વારસાનું સંરક્ષણ, પર્યટનનો વિકાસ અને મુસાફરોને અનોખો પ્રવાસ અનુભવ આપવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ