સુત્રાપાડામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી: પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે પુષ્પાંજલિ અર્પી
ગીર સોમનાથ 14 એપ્રિલ (હિ.સ.) ભારતીય બંધારણના શિલ્પી, દલિતોદ્ધારક અને સામાજિક ક્રાંતિના મશાલચી ''ભારત રત્ન'' ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીની સુત્રાપાડા પંથકમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સુત્રાપાડાના
સુત્રાપાડામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીની


ગીર સોમનાથ 14 એપ્રિલ (હિ.સ.) ભારતીય બંધારણના શિલ્પી, દલિતોદ્ધારક અને સામાજિક ક્રાંતિના મશાલચી 'ભારત રત્ન' ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીની સુત્રાપાડા પંથકમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સુત્રાપાડાના દલિત સમાજ દ્વારા આયોજિત ભવ્ય રેલીમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ સવારથી જ સુત્રાપાડામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. દલિત સમાજમાંથી નીકળેલી આ ભવ્ય રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી સુત્રાપાડા નગરપાલિકા કચેરી અને મુખ્ય રોડ પરથી પસાર થઈ ત્યારે 'જય ભીમ'ના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ રેલીમાં માત્ર દલિત સમાજ જ નહીં, પરંતુ સુત્રાપાડાના દરેક સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકોએ જોડાઈને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બસ સ્ટેન્ડ પાસે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે રેલી સભામાં પરિવર્તિત થઈ હતી. અહીં જશાભાઈ બારડે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં પ્રતિમા સ્થાપના પાછળના ઈતિહાસને વાગોળતા જણાવ્યું હતંકે જ્યારે હું સુત્રાપાડા ગામના સરપંચ હતા , ત્યારે પ્રથમ જ મીટિંગમાં મેં દલિત સમાજના આગેવાનો સાથે મળીને ગામના મધ્યમાં બાબા સાહેબની પ્રતિમા મૂકવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારબાદ જ્યારે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બનવાની તક મળી, ત્યારે નગરપાલિકાની પ્રથમ મીટિંગમાં જ પ્રતિમા માટેનો ઠરાવ પસાર કરાવ્યો હતો. અને કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ અને

તત્કાલીન સમાજ કલ્યાણ મંત્રી શ્રી બચુભાઈ સોંદરવા અને સ્થાનિક આગેવાનોના વરદ હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

જશાભાઈ બારડે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાબા સાહેબ કોઈ એક જ્ઞાતિ કે વર્ગના નેતા નથી, તેઓ સમગ્ર રાષ્ટ્રના નેતા છે. આજે દલિત સમાજ જે પ્રગતિ કરી રહ્યો છે, સન્માનપૂર્વક જીવી રહ્યો છે અને રાજકીય ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, તેનું સંપૂર્ણ શ્રેય બાબા સાહેબે આપેલા બંધારણને જાય છે. આજે કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાજા શિક્ષણ વિભાગમાં કેબિનેટ મંત્રી જેવી મહત્વની જવાબદારી સંભાળે છે, તે પણ આ બંધારણીય શક્તિને આભારી છે.

તેમણે સુત્રાપાડાની જનતાના વખાણ કરતા કહ્યું કે, અહીં દરેક સમાજ 'એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી'ની ભાવના સાથે જીવે છે. આ ભાઈચારો જ આપણી સાચી ઓળખ છે.

આ ભવ્ય રેલી અને સભામાં સુત્રાપાડા દલિત સમાજના પટેલ, પ્રમુખો, સમાજના અગ્રણીઓ તેમજ દરેક સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકોએ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સુત્રાપાડાના યુવા આગેવાનો દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande