

- વિદ્યાર્થીઓએ ચિત્રકલા, નિબંધ અને રેલીઓ દ્વારા શિક્ષિત મતદાતાનો સંદેશ આપ્યો
- સ્થાનિક રહીશોની સહી ઝુંબેશ અને શપથ ગ્રહણ દ્વારા 100% મતદાનનું લક્ષ્ય
અમદાવાદ,14 એપ્રિલ (હિ.સ.) અમદાવાદમાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને શિક્ષણ વિભાગ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાંઆવી છે. જિલ્લા શિક્ષણાધિકારી આરએમ.ચૌધરીના સચોટ માર્ગદર્શન હેઠળ સ્વેપ (SVAP) અભિયાનને વ્યાપક બનાવવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત અમદાવાદની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લોકશાહીના મહાપર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના પ્રત્યેક નાગરિકને પોતાના મતાધિકાર પ્રત્યે જાગૃત કરવાનો છે.
શહેરની નિમા વિદ્યાલય અને નવદીપ હાઈસ્કૂલ જેવી અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરી મતદાન જાગૃતિના મશાલચી બનવાનું નક્કી કર્યું છે. શિક્ષિત મતદાતા, સચેત મતદાતાના સૂત્રને સાર્થક કરવા માટે શાળાઓમાં વિશેષ ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સર્જનાત્મક સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓએ લોકશાહીના મૂલ્યોને કાગળ પર કંડાર્યા હતા. આટલું જ નહીં, વિદ્યાર્થીઓએ શેરીઓમાં ભવ્ય રેલીઓ અને પદયાત્રાઓ યોજીને, પ્લેકાર્ડ્સના માધ્યમથી સ્થાનિક રહીશોને 26 એપ્રિલે અચૂક મતદાન કરવા માટે ભાવભરી અપીલ કરી હતી.
આ જાગૃતિ અભિયાનમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ વાલીઓ અને સ્થાનિકોને જોડવા માટે એક વ્યાપક સહી ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી, જેમાં હજારો લોકોએ મતદાન કરવાની લેખિત પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
અમદાવાદની તમામ શાળાઓમાં એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ એકસાથે મતદાનના પવિત્ર શપથ લીધા હતા.
સોશિયલ મીડિયા પર પણ મતદાનનો પ્રચાર તેજ કરીને વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે શાળા માત્ર પુસ્તકિયા જ્ઞાનનું કેન્દ્ર નથી, પરંતુ સશક્ત અને જાગૃત રાષ્ટ્રના નિર્માણ માટેનું પાયાનું સ્થળ છે. સૌએ સાથે મળીને 100% મતદાન સુનિશ્ચિત કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ