
ગીર સોમનાથ 14 એપ્રિલ (હિ.સ.) જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર સંચાલિત દીશા કમ વિકાસ ડે કેર સેન્ટર (દિવ્યાંગ બાળકોની સંસ્થા) ખાતે ભારત રત્ન અને ભારતીય સંવિધાનના ઘડવૈયા તેમજ દેશના પ્રથમ કાનૂન મંત્રી ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહેબની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના દિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ, સ્વયંસેવકો તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડૉ. આંબેડકર સાહેબના ચિત્ર સમક્ષ દીપ પ્રજ્વલિત કરી અને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ તેમની પ્રતિભા, સંઘર્ષ અને સમાજસુધારણા માટેના અવિસ્મરણીય યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના આરીફભાઈ ચાવડાએ ડૉ. આંબેડકરના જીવનદર્શન, સમાનતા, શિક્ષણ અને માનવ અધિકાર માટેના તેમના સંદેશા અંગે પ્રકાશ પાડ્યો હતો. ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે સમાન અધિકાર અને સન્માનપૂર્ણ જીવનના અધિકાર અંગે તેમના વિચારો આજના સમયમાં પણ પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું.
સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવી ઉજવણીઓ દ્વારા બાળકોમાં દેશના મહાન વિભૂતિઓ પ્રત્યે માન-સન્માનની ભાવના વિકસે છે તેમજ સમાજમાં સમાનતા અને સહઅસ્તિત્વના મૂલ્યો મજબૂત બને છે.
આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ગીર સોમનાથના સહાયક તનવીરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે રાકેશભાઈ બેરડીયા, ડૉ. ભરતભાઈ, ડૉ. નિકુંજભાઈ ચુડાસમા, વિપુલભાઈ સોલંકી, નાઝીમાબેન જુણેજા, અમિતાબેન ચાવડા, ભાવનાબેન રાઠોડ વગેરે જહેમત ઉઠાવી હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ