
કચ્છ, 14 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર સક્રિય કામગીરી કરી રહ્યું છે. આ અંતર્ગત ભચાઉ પોલીસને મોટી સફળતા મળી છે. અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ જ અભિયાન અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર પોક્સો ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પકડાયેલ આરોપીની ઓળખ અલ્પેશ જોધાભાઈ ઠાકોર તરીકે થઈ છે, જે હાલ ભચાઉ ખાતે ધોલેશ્વર મહાદેવ નજીક રહેતો હતો, જ્યારે મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગઢા ગામનો રહેવાસી છે.
આ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળની વિવિધ કલમો તેમજ પોક્સો અધિનિયમ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા બે મહિનાથી પોલીસની પકડથી દૂર રહેલા આ આરોપીને ઝડપી પાડતાં પોલીસે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar