
કચ્છ, 14 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં ગૌવંશના ગેરકાયદેસર કતલ અને માસના વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે સુચિત કામગીરી દરમિયાન ગૌવંશના માસના જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો છે, જ્યારે તેનો સાથીદાર ફરાર થઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર, બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા તથા ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર ગૌવંશ કતલખાનાઓ અને માસના વેચાણ વિરુદ્ધ સઘન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. નકુમના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને ખાનગી સૂત્રો દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે રતીયા ગામનો રહેવાસી ઇબ્રાહિમ સિધિક ઓઢેજા ગૌવંશના કતલ બાદ તેનો માસ વેચવા માટે લઈ આવવાનો છે.
બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ બાતમી મુજબનો ઇસમ તેના સાથી સાથે મોટરસાયકલ પર પ્લાસ્ટિકના કોથળામાં પાર્સલ લઈને આવતા જોવા મળ્યો. પોલીસને જોઈ બંને ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાંથી એક આરોપી ભાગી છૂટ્યો, જ્યારે ઇબ્રાહિમ ઓઢેજાને પોલીસએ પકડી પાડ્યો.
પકડાયેલા આરોપી પાસે રહેલા કોથળામાંથી કાળા પ્લાસ્ટિકના પેકેટોમાં ભરાયેલ આશરે ૨૫ કિલોગ્રામ જેટલો શંકાસ્પદ માસ મળી આવ્યો. પ્રાથમિક તપાસ બાદ વેટરનરી ડૉક્ટર દ્વારા તેમજ રાજકોટની એફએસએલ લેબમાં કરાયેલા વૈજ્ઞાનિક પરીક્ષણમાં આ માસ ગૌવંશનું હોવાનું સ્પષ્ટ થયું.
આ મામલે પોલીસએ ભારતીય ન્યાય સંહિતા હેઠળની કલમો તેમજ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ અને પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો છે. સાથે જ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.
પકડાયેલા આરોપી તરીકે ઇબ્રાહિમ સિધિક ઓઢેજા (ઉંમર ૪૦, રહે. રતીયા, તા. ભુજ)નો સમાવેશ થાય છે, જ્યારે ફરાર આરોપી હુસૈન આધમ ઓઢેજાની શોધખોળ ચાલી રહી છે.
પોલીસે આ કામગીરી દરમિયાન ગૌવંશના માસનો જથ્થો તેમજ આશરે ૩૦ હજાર રૂપિયાની કિંમતની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કબ્જે લીધી છે.
આ સમગ્ર કામગીરી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.આર. મોરીના નેતૃત્વ હેઠળ એએસઆઈ ઉમેશભાઈ બારોટ તથા પોલીસ સ્ટાફના અન્ય કર્મચારીઓની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
ભુજ પોલીસે ફરી એકવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોતાની સતર્કતા અને કડક વલણનો પરિચય આપ્યો છે, જેનાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar