
કચ્છ, 14 એપ્રિલ (હિ.સ.) : ઉનાળાની રજાઓ દરમિયાન વધતા પ્રવાસી ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાતના ગાંધીધામને પશ્ચિમ બંગાળના માલદા ટાઉન સાથે સીધી રીતે જોડતી વિશેષ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે, જે શરૂઆતમાં બે ટ્રિપ માટે દોડાવવામાં આવશે. મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યાની સ્થિતિમાં આ સેવા જૂન મહિના સુધી વિસ્તારી શકાય તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, ગાંધીધામથી માલદા ટાઉન જતી વિશેષ ટ્રેન 19 એપ્રિલના રોજ બપોરે 12:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને લગભગ ત્રણ દિવસની મુસાફરી બાદ મંગળવારે સવારે 9:10 વાગ્યે માલદા ટાઉન પહોંચશે.
પરત ફરતી મુસાફરીમાં, માલદા ટાઉનથી ગાંધીધામ આવતી ટ્રેન 21 એપ્રિલના રોજ સાંજે 5:30 વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે ગુરુવારે બપોરે 3:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે.
આ વિશેષ ટ્રેન માર્ગમાં અનેક મહત્વપૂર્ણ સ્ટેશનો પર રોકાણ કરશે, જેમાં સામાખિયાળી, રાધનપુર, ભીલડી, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, ભરતપુર, આગ્રા, ટુંડલા, ઇટાવા, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન, પટના, ભાગલપુર સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ માર્ગ દ્વારા મુસાફરોને ઉત્તર અને પૂર્વ ભારત વચ્ચે સીધી કનેક્ટિવિટી મળશે.
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તેમજ સામાન્ય વર્ગના કોચ ઉપલબ્ધ રહેશે, જેથી દરેક વર્ગના લોકો પોતાની અનુકૂળતા મુજબ મુસાફરી કરી શકે.
આ ટ્રેન માટે બુકિંગ 14 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. ઉનાળાની સિઝનમાં લાંબી મુસાફરી માટે સીટ મળવાની સમસ્યાને દૂર કરવા માટે આ ટ્રેન મહત્વપૂર્ણ સાબિત થશે.
રેલવે વિભાગે મુસાફરોને સમયસર ટિકિટ બુક કરવાની સલાહ આપી છે, જેથી વધતા રશમાં તેઓ સરળતાથી મુસાફરી કરી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar