વ્યાજખોરી પર પોલીસનો કડક પ્રહાર: કિડાણા ગામનો માથાભારે ઈસમ તડીપાર
કચ્છ, 14 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે કડક પગલાં ભર્યા છે. આ કાર્યવાહી હેઠળ વ્યાજખોરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા કિડાણા ગામના એક માથાભાર
Tadipar


કચ્છ, 14 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે કડક પગલાં ભર્યા છે. આ કાર્યવાહી હેઠળ વ્યાજખોરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા કિડાણા ગામના એક માથાભારે ઈસમને તડીપાર કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો મુજબ, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ-કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં અસામાજિક તત્વો સામે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણી પૂર્વે આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસે સઘન દેખરેખ શરૂ કરી છે.

આ અનુસંધાને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચનાથી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા વારંવાર ગુનાઓ આચરતા કિડાણા ગામના સુલતાન ગની છુછીયા (ઉંમર ૨૯) સામે તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાએ આરોપીના ગુનાહિત ઇતિહાસના આધારે તડીપાર માટે દરખાસ્ત તૈયાર કરી હતી.

આ દરખાસ્ત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર એસ.જે. ચૌધરી સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી મંજૂરી મળતા આરોપીને કચ્છ જિલ્લા ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાની હદમાંથી હદપાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આરોપીને ઝડપી લઈ તડીપારના હુકમની અમલવારી કરી છે.

આરોપીના ગંભીર ગુનાઓનો લાંબો ઇતિહાસ

તડીપાર કરાયેલા સુલતાન ગની છુછીયા વિરુદ્ધ અગાઉથી જ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ખંડણી, લૂંટ, ધમકી અને વ્યાજખોરી જેવા કેસોનો સમાવેશ થાય છે. ગાંધીધામ, આદિપુર અને ભુજ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુનાઓ નોંધાયા હતા, જે તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને દર્શાવે છે.

પોલીસ દ્વારા આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાને ભંગ કરનાર તથા વ્યાજખોરી જેવા ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે આવા પગલાં આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે.

આ સમગ્ર કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારોમાં સુરક્ષાનો માહોલ મજબૂત બન્યો છે અને સામાન્ય નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande