
કચ્છ, 14 એપ્રિલ (હિ.સ.) કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ફરી એક વખત ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. ટેટ અને ટાટ જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓ માટે હજુ સુધી કચ્છમાં કોઈપણ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું નથી, જેના કારણે અહીંના વિદ્યાર્થીઓને દર વખતે અમદાવાદ સુધી લાંબી મુસાફરી કરવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિએ વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ અને રોષ ઉભો કર્યો છે.
તાજેતરમાં યોજાયેલી પરીક્ષામાં કચ્છના હજારો વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે, પૂરતી ટ્રાન્સપોર્ટ સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ નમો ભારત રેપિડ રેલનો સહારો લીધો. પરંતુ આ ટ્રેનની ક્ષમતા આશરે 1200 મુસાફરોની હોવા છતાં, અંદાજે 3000 જેટલા પરીક્ષાર્થીઓ એકસાથે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. પરિણામે વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાં જેવી સ્થિતિમાં ઉભા ઉભા મુસાફરી કરવી પડી હતી.
આવી પરિસ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ તણાવમાં આવી ગયા હતા. પરીક્ષા પહેલાની જ થાકજનક મુસાફરીએ તેમના પ્રદર્શન પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરી છે.
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું કહેવું છે કે દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે, છતાં પણ પ્રશાસન દ્વારા કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ખાસ કરીને કચ્છ જેવા વિશાળ જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ન હોવું એ એક મોટો પ્રશ્ન છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે કચ્છની નબળી નેતાગીરીના કારણે જિલ્લામાં વારંવાર આવા અન્યાય થાય છે. વિદ્યાર્થીઓએ હવે માંગ ઉઠાવી છે કે કચ્છમાં જ ટેટ અને ટાટ પરીક્ષાના કેન્દ્રો શરૂ કરવામાં આવે જેથી તેઓને આ પ્રકારની મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે.
હાલમાં, આ મુદ્દે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે અને જો વહેલી તકે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આ મુદ્દો વધુ ઉગ્ર બની શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar