
- કારનો કાચ તોડી ડ્રાઇવરને બહાર કાઢ્યો
અમદાવાદ,14 એપ્રિલ (હિ.સ.) આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ બાજ નજર રાખી રહી છે.અમદાવાદમાં પણ ગઇકાલે મોડી રાત્રે નરોડામાં પીસીબી ટીમે ચૂંટણીમાં રાજસ્થાનથી લવાયેલો 4 લાખનો દારૂ ઝડપયો. કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમે નરોડામાંથી ગઇકાલે મોડી રાત્રે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડી હતી.
રાજસ્થાનથી દારૂ ભરીને નરોડા લવાઈ રહ્યો હતો ત્યારે પીસીબીની ટીમે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે ગાડી ભગાવી હતી.
પોલીસે ગાડીનો પીછો કરી કોર્ડન કરી કારમાં બેઠેલા શખસોને નીચે ઉતરવાનું કહેતા તેને કાચ ખોલ્યો નહીં અને ફરીથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે કારનો કાચ તોડીને જોતા આખી ગાડી દારૂ ભરેલી મળી આવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચૂંટણીમાં ખાસ કરીને દારૂની હેરાફેરી વધુ થતી હોવાના પગલે શહેર પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમ સક્રિય હતી. તે દરમિયાનમાં બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક ક્રેટા ગાડીમાં દારૂનો જથ્થો આવવાનો છે જેના આધારે પોલીસ કર્મચારીઓ મોડી રાત્રે નરોડા જીઇબી પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા.
બાતમીવાળી કાર નજીક આવતા પોલીસે તાત્કાલિક તેને રોકવા જરૂરી આડાશો કરી, પરંતુ કાર ચાલકે ગાડી રોકી નહી અને લોકોના જીવ જોખમમાં મૂકે એ રીતે ગાડી ભગાવી હતી. પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરી સધી માતા મંદિર નજીક ચારે તરફથી કોડન કરી કાર ઉભી રખાવી હતી.
કારમાં બે શખસ બેઠા હતા, પોલીસે ચાલકને બહાર નીકળવાનું કહ્યું અને કાચ ઉતારવા કહ્યું, પરંતુ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે ડ્રાઇવર તરફનો કારનો કાચ તોડી નાખ્યો હતો અને તેને રોકી લીધો હતો. કારનો કાચ તોડતા ડ્રાઇવરને કાચ વાગતા ઇજા થઈ હતી.
પોલીસે કારમાં જોતા આખી ગાડી વિદેશી દારૂના બોક્સ ભરેલી મળી આવી હતી. બંને આરોપીની પૂછપરછ કરતા રાજસ્થાન) નિવાસી કમલેશ રોત અને ગોવિંદરામ કટારા હોવાનું જણાવ્યું હતું. પોલીસને ગાડીમાંથી 1785 દારૂની બોટલો મળી આવી હતી.
બંને આરોપીઓએ જણાવ્યું હતું કે વિદેશી દારૂનો જથ્થો મૂળ રાજસ્થાનના ડુંગરપુર ખાતે રહેતા નિલેશ કલાલ નામના વ્યક્તિએ ભરીને આપ્યો હતો. અમદાવાદના નરોડા ખાતે શેલ્બી હોસ્પિટલ પાસે આ દારૂ ભરેલી ગાડી લઈને આવવાની હતી અને ત્યાંથી આ ગાડી પૃથ્વી નામનો વ્યક્તિ લઈ જવાનો હતો.
ડ્રાઇવર કમલેશને એક ફેરાના 3000 અને તેની સાથેના વ્યક્તિને 1000 રૂપિયા આપતો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી દારૂ લેવા આવનાર પૃથ્વી નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ નરોડા વિસ્તારમાંથી જ નરોડા પાટિયા પાસે અનુરાધા મેડિકલની બાજુમાં મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને અલગ અલગ 359 જેટલી દારૂની બોટલો અને બિયર પ્લાસ્ટિકના મોટા થેલામાં મળી આવી હતી. પોલીસે કુલ 58,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિદેશી દારૂ વેચનાર મહિલા રેણુકા પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ