
જમ્મુ, નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) દક્ષિણ કાશ્મીર હિમાલયમાં વાર્ષિક અમરનાથ યાત્રા માટે નોંધણી બુધવારે શરૂ થઈ હતી. જમ્મુમાં સ્થાપિત કાઉન્ટર પર મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. એડવાન્સ રજિસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ઉપલબ્ધ છે.
57 દિવસની યાત્રા અનંતનાગમાં પરંપરાગત 48 કિલોમીટર લાંબા નુનવાન-પહલગામ માર્ગથી અને ગાંદરબલમાં 14 કિલોમીટર લાંબા પરંતુ સીધા ચડતા બાલટાલ માર્ગથી 3 જુલાઈના રોજ શરૂ થશે અને રક્ષાબંધનના દિવસે 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
પંજાબ નેશનલ બેંકના જમ્મુ સર્કલના ડીજીએમ પંકજ કુમાર વર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. પોતાની નોંધણી કરાવવા આવતા યાત્રાળુઓની ભારે ભીડ છે. નોંધણી ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમો દ્વારા કરવામાં આવી રહી છે. પંજાબ નેશનલ બેંક આ યાત્રા માટે નોડલ બેંક તરીકે કામ કરે છે. સમગ્ર ભારતમાં 556 બેંક શાખાઓ નોંધણી પ્રક્રિયામાં સામેલ છે, જેમાંથી પંજાબ નેશનલ બેંકની 310 શાખાઓ ભાગ લઈ રહી છે.
તેમણે વધુમાં માહિતી આપી હતી કે, જમ્મુમાં છ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. જમ્મુમાં, જે એન્ડ કે બેંક અને પીએનબી. સહિતની ઓફલાઇન શાખાઓમાં સવારે 8 વાગ્યાથી લાંબી કતારો જોવા મળી હતી કારણ કે ભક્તો નોંધણી પ્રક્રિયા શરૂ થયાના એક કલાક પહેલા કતારમાં ઊભા હતા.
પંજાબના પઠાણકોટથી રેહારી કોલોનીમાં પીએનબી. ની શાખામાં નોંધણી કરાવવા આવેલા વિનોદ કુમારે કહ્યું કે, આ તેમની 11મી મુલાકાત છે. તેમણે કહ્યું કે, અમે છેલ્લા ઘણા વર્ષોથી હંમેશા પ્રથમ બેચમાં ગુફા મંદિરની મુલાકાત લીધી છે. આ વર્ષે પણ અમે તીર્થયાત્રા માટે નોંધણી કરાવી છે. તમામ ભક્તો માટે અમારો સંદેશ છે કે આવો, દર્શન કરો અને આશીર્વાદ મેળવો. અમારા માટે આ સફર વાર્ષિક કેલેન્ડરનો એક ભાગ છે.
પીએનબીના ડીજીએમએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારાને કારણે બેંકોનો સહયોગ પણ વધ્યો છે. તેમણે કહ્યું, અમે આશા રાખીએ છીએ કે લોકોની સંખ્યા વધુ વધશે. તદનુસાર, અમે મૂલ્યાંકન કરી રહ્યા છીએ કે બેંક નોંધણી પ્રક્રિયાને કેવી રીતે વધુ સરળ અને સુવ્યવસ્થિત કરવી, તેમણે ઉમેર્યું. પંજાબ નેશનલ બેંકની 310 શાખાઓ, જમ્મુ અને કાશ્મીર બેંકની 90 શાખાઓ, યસ બેંકની 37 શાખાઓ અને એસબીઆઇની 99 શાખાઓ સહિત દેશભરમાં 556 બેંક શાખાઓમાં ઓફલાઇન નોંધણી કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર /બલવાન સિંહ/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ