
ગંગટોક, નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના સિક્કિમ પ્રવાસે આવવાના છે. પ્રથમ દિવસે વડાપ્રધાન રાજધાનીમાં રોડ શોમાં ભાગ લેશે અને બીજા દિવસે પાલ્જોર સ્ટેડિયમમાં જનસભાને સંબોધશે.
મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે જણાવ્યું હતું કે, જો નિર્ધારિત કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય અને હવામાન સાનુકૂળ રહેશે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલે સિક્કિમ આવશે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનનું હેલિકોપ્ટર સોમવારે બપોરે 3 વાગ્યે અહીં લિબિંગમાં આર્મી હેલિપેડ પર ઉતરશે. ત્યારબાદ વડાપ્રધાન લોકભવન સુધી યોજાનારા રોડ શોમાં પણ ભાગ લેશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સિક્કિમ સરકારે રોડ શો માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. તેમણે સિક્કિમના લોકોને તે દિવસે બપોરે 2 વાગ્યે રાજધાનીમાં એકઠા થઈને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન તે દિવસે રાજધાનીમાં રોકાશે અને 28 એપ્રિલે પાલ્જોર સ્ટેડિયમમાં યોજાનારા એક કાર્યક્રમમાં ભાગ લેશે. તેમણે વડાપ્રધાનની મુલાકાતને, રાજ્યના લોકો માટે ગૌરવની વાત ગણાવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ગયા વર્ષે 29 મેના રોજ સિક્કિમ આવવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ આવી શક્યા ન હતા. તેમણે એ પણ યાદ કર્યું કે, તે સમયે વડાપ્રધાને બાગડોગરા (પશ્ચિમ બંગાળ) થી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સિક્કિમના લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ વડાપ્રધાનને બે વાર મળ્યા હતા અને તેમને વ્યક્તિગત રીતે આવીને સિક્કિમના લોકોને આશીર્વાદ આપવા વિનંતી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / બિશલ ગુરુંગ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ