
કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) :વૈશ્વિક સ્તરે ઉભી થયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને કચ્છના સંવેદનશીલ જખૌ સેક્ટરમાં મરીન કમાન્ડો દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતાં સમગ્ર વિસ્તાર એલર્ટ પર મૂકાયો છે.
મરીન ટાસ્ક ફોર્સના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ દરિયાકાંઠા વિસ્તારોમાં વિશેષ ડ્રાઇવ શરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ અભિયાનના ભાગરૂપે જખૌ સેક્ટરમાં DySP આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં મરીન કમાન્ડોની ટીમે પિંગલેશ્વરથી લઈને નાયરો, કમંડ, કડુલી અને સુથરી સુધીના વિસ્તારોમાં સતત નજર રાખી હતી.
આ કાર્યવાહી દરમિયાન વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને માછીમારો સાથે સીધી વાતચીત કરીને તેમને શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી બોટો અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે તરત જ માહિતી આપવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરીને રોકવા માટે પણ સાવચેતી વધારવામાં આવી છે.
સુરક્ષા એજન્સીઓએ માછીમારો અને દરિયાકાંઠા નજીક વસતા લોકોમાં જાગૃતિ ફેલાવતા જણાવ્યું હતું કે હાલની વૈશ્વિક પરિસ્થિતિને કારણે સમુદ્રમાં નુકસાન પામેલા જહાજોના અવશેષો, બોટો અથવા મિસાઇલ જેવા યુદ્ધ સાધનો તણાઈને કિનારે આવી શકે છે. આવી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેને સ્પર્શ કર્યા વગર તરત જ પોલીસ અથવા મરીન કમાન્ડોને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ દરિયાકાંઠા વિસ્તારને સુરક્ષિત રાખવો અને કોઈપણ અનિચ્છનીય ઘટના બનતા પહેલા જ અટકાવવી છે. મરીન કમાન્ડોની સતત પેટ્રોલિંગ અને સતર્કતા કારણે કચ્છનો દરિયાકાંઠો હાલ કડક સુરક્ષા હેઠળ છે, જેનાથી સ્થાનિક લોકોમાં પણ વિશ્વાસનો માહોલ ઉભો થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar