
નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) કેન્દ્ર સરકાર, આજે સંસદના વિશેષ સત્રમાં દેશમાં મુખ્ય સુધારા બિલ રજૂ કરશે. આ બિલ 2029ની લોકસભાની ચૂંટણીથી મહિલા અનામતના અમલીકરણ અને મતવિસ્તારોના સીમાંકન સાથે સંબંધિત છે. તેમાં બંધારણ (131મો સુધારો) બિલ, 2026, સીમાંકન બિલ, 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા (સુધારા) બિલ, 2026નો સમાવેશ થાય છે. બંધારણ (131મો સુધારો) બિલ, 2026 એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રસ્તાવ છે. તેનો ઉદ્દેશ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામત (33 ટકા) નો અમલ કરવા માટે સીમાંકન પ્રક્રિયાને સક્રિય કરવાનો છે.
સરકારે નારી શક્તિ વંદના કાયદામાં સુધારા પસાર કરવા માટે 16,17 અને 18 એપ્રિલે વિશેષ સત્ર બોલાવ્યું છે. સરકારનું લક્ષ્ય નારી શક્તિ વંદના અધિનિયમ (2023) ને વહેલામાં વહેલી તકે અમલમાં મૂકવાનું છે. તે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરે છે. શક્ય છે કે વિપક્ષ મહિલા અનામતનો વિરોધ ન કરે.
લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં બેઠકોની સંખ્યા વધારવા માટે, સીમાંકનની કવાયતને લઈને સરકાર અને વિપક્ષ સામસામે છે. દક્ષિણના રાજ્યોને ડર છે કે, વસ્તી નિયંત્રણમાં વધુ સારા પ્રદર્શનને કારણે નવા સીમાંકનમાં તેમની લોકસભાની બેઠકો ઘટી શકે છે. સરકારે આ આશંકાને સ્પષ્ટ રીતે નકારી કાઢી હતી અને સ્પષ્ટતા કરી હતી કે, બેઠકોમાં વધારો દરેક રાજ્ય માટે સમાનરૂપે 50 ટકા હશે. લોકસભામાં બેઠકોની મહત્તમ મર્યાદા 850 નક્કી કરવામાં આવી છે અને કોઈ પણ રાજ્યની બેઠકોમાં ઘટાડો કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.
સરકારે કહ્યું કે, 1976 થી લોકસભાની બેઠકોમાં કોઈ ફેરફાર થયો નથી. તેથી, સ્પષ્ટ અને નવી સીમાંકન એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. સીમાંકન પ્રક્રિયા છેલ્લી પ્રકાશિત વસ્તી ગણતરી (2011) ના આધારે પૂર્ણ કરવામાં આવશે. રાજ્યો માટે બેઠકોની સંખ્યા નક્કી નથી. દરેક રાજ્ય માટે સીમાંકન આયોગ હશે. આયોગ રાજ્યમાં તમામ પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ બેઠકોનો અંતિમ નિર્ણય કરશે.
ત્રણેય બિલ પર આજે લોકસભામાં ચર્ચા થશે. તેનો સમયગાળો 18 કલાક નક્કી કરવામાં આવ્યો છે. 17 એપ્રિલે મતદાન સાથે લોકસભામાં પ્રક્રિયા પૂર્ણ થશે. 18 એપ્રિલે લોકસભા દ્વારા પસાર થયા બાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. 10 કલાકની ચર્ચા બાદ મતદાન થશે. હાલની લોકસભામાં 543 બેઠકો છે.
હિન્દુસ્થાન સમાચાર /મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ