અખાત્રીજ પર બાળલગ્નો અટકાવવા કચ્છ કલેક્ટરનું આહવાન, તંત્ર સતર્ક
કચ્છ, 17 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આવનારી તા. 19 એપ્રિલ 2026ના રોજ ઉજવાતી અક્ષય તૃતિયા, જેને અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે, તે હિંદુ પરંપરા મુજબ લગ્ન માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે જિલ્લામાં મોટા પ્રમાણમાં લગ્ન અને સમૂહલગ્નોના
Marriage 2


Marriage 1


કચ્છ, 17 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આવનારી તા. 19 એપ્રિલ 2026ના રોજ ઉજવાતી અક્ષય તૃતિયા, જેને અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે, તે હિંદુ પરંપરા મુજબ લગ્ન માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે જિલ્લામાં મોટા પ્રમાણમાં લગ્ન અને સમૂહલગ્નોના કાર્યક્રમો યોજાતા હોય છે. આ પરંપરાગત પ્રસંગને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા ખાસ સાવચેતી દાખવવામાં આવી રહી છે, કારણ કે આવા પ્રસંગોમાં બાળલગ્નો થવાની શક્યતા વધી જાય છે.

કચ્છ કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે લગ્ન નક્કી કરતાં પહેલાં વર અને કન્યાની ઉંમરની યોગ્ય ચકાસણી કરવામાં આવે, જેથી કોઈપણ પ્રકારની કાનૂની મુશ્કેલી ઉભી ન થાય.

જિલ્લા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ 21 વર્ષથી ઓછા વયના યુવક અને 18 વર્ષથી ઓછી વયની યુવતીના લગ્ન કરાવવું કે તેમાં સહભાગી થવું કાયદેસર ગુનો છે. આવા કિસ્સામાં માત્ર વર-કન્યાના માતા-પિતા જ નહીં પરંતુ લગ્નવિધિ કરાવનાર ગોર મહારાજ, કેટરર્સ, મંડપ સેવા આપનાર, ડીજે, બેન્ડ, ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર જેવા તમામ સહયોગીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આ કાયદા હેઠળ એક લાખ રૂપિયા સુધીનો દંડ અને બે વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

તંત્રએ વધુમાં જણાવ્યું છે કે જો કોઈને બાળલગ્ન થવાની જાણકારી મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા સંબંધિત અધિકારીઓને જાણ કરવી જોઈએ. સમયસર માહિતી આપવામાં આવે તો આવા લગ્નોને અટકાવી શકાય છે અને જો લગ્ન થઈ ગયા હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પણ આ બાબતે માર્ગદર્શન અને સહાયતા આપવામાં આવે છે.

લગ્ન સાથે જોડાયેલા તમામ વ્યવસાયિકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓએ લગ્ન પહેલાં વર-કન્યાના જન્મતારીખના પુરાવા જેવી કે જન્મનો દાખલો અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર તપાસવું જરૂરી છે. કાયદાની વિરુદ્ધ કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સમૂહલગ્નના આયોજકોને પણ તમામ જોડાઓની ઉંમર અંગે ખાતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે અંતમાં સમાજને સંદેશ આપ્યો છે કે બાળલગ્ન જેવી કુપ્રથા દૂર કરવા માટે દરેક નાગરિકે જાગૃત બનીને પોતાની ફરજ નિભાવવી જોઈએ. કાયદાનું પાલન અને સમાજની જવાબદારી બંનેને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉંમરે જ લગ્ન થાય તે માટે સહયોગ આપવો જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande