અમદાવાદ નરોડામાં એએમટીએસ એ બળદગાડાને ઉડાવ્યું, રોષે ભરાયેલા ટોળાની બસમાં તોડફોડ
અમદાવાદ, 02 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદ પૂર્વના નરોડા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર એએમટીએસ બસના ચાલકની બેદરકારી સામે આવી છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમ
અમદાવાદ નરોડામાં એએમટીએસ એ બળદગાડાને ઉડાવ્યું, રોષે ભરાયેલા ટોળાની બસમાં તોડફોડ


અમદાવાદ, 02 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદ પૂર્વના નરોડા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર એએમટીએસ બસના ચાલકની બેદરકારી સામે આવી છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદ અને વૃદ્ધને ઈજા પહોંચી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે.

ઘટના બાદ વૃદ્ધને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળેલા સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો હતો અને એએમટીએસ બસમાં ભારે તોડફોડ કરી હતી. લોકોના રોષને જોતા બસચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. પરિસ્થિતિ વણસતા કૃષ્ણનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો.

આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, બસચાલકની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને બસચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande