
અમદાવાદ, 02 એપ્રિલ (હિ.સ.) : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક અત્યંત ગંભીર પત્ર લખીને સનસનાટી મચાવી દીધી છે. આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર 'આપ'ના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવીને લોકશાહીનું ગળું દબાવી રહી છે.
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્યનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક અત્યંત ગંભીર પત્ર લખીને સનસનાટી મચાવી દીધી છે.
આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર 'આપ'ના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવીને લોકશાહીનું ગળું દબાવી રહી છે.
આ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા માટે અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને સાથે રાખીને રૂબરૂ મુલાકાત કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનો સમય પણ માંગ્યો છે.
અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે, છેલ્લા 48 કલાકમાં ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની કરવામાં આવેલી ધરપકડ પાછળ એક નિશ્ચિત પેટર્ન જોવા મળી રહી છે.તેમણે આક્ષેપ કર્યો કે, પક્ષના કાર્યકરો જ્યારે રસ્તા પર જતા હોય ત્યારે અચાનક કેટલાક ગુંડાઓ દ્વારા તેમનો પીછો કરીને હુમલો અથવા ઝઘડો કરવામાં આવે છે. ત્યારબાદ આ જ ગુંડાઓ પોલીસને જાણ કરે છે અને ગણતરીની મિનિટોમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવી જાય છે અને અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરી લે છે. એવું લાગે છે કે ક્રાઈમ બ્રાન્ચવાળા તે ગુંડાઓના ફોનની જ રાહ જોઈને જ તે વિસ્તારમાં બેઠાં હોય. ક્રાઈમ બ્રાન્ચવાળા કોઈ પૂછપરછ કર્યા વગર એક તરફી કાર્યવાહી કરીને હુમલો કરનાર ગુંડાઓને છોડી મૂકે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ હવાલે કરે છે, જેઓ તેમની સામે 307 (હત્યાનો પ્રયાસ) જેવી કલમો લગાવીને જેમને જેલમાં ધકેલી દે છે.
પત્રમાં ખંભાળિયા, પોરબંદર અને જામનગરના કિસ્સાઓનો ઉલ્લેખ કરીને આ સમગ્ર પ્રક્રિયાને 'અગાઉથી પ્લાન કરેલું ષડયંત્ર' ગણાવ્યું છે.
ખંભાળિયાઃ 31 માર્ચ, 2026
દીપકસિંહ બપોરના 3 વાગ્યાની આસાપાસ જઈ રહ્યાં હતા, ત્યારે બે વ્યક્તિ બાઈક લઈને આવ્યાં, ઓવરટેક કરી અને મારપીટ કરી. જ્યારે દીપકસિંહ ફરિયાદ કરવા ગયા ત્યારે તેમની જ ધરપકડ કરવામાં આવી.
પોરબંદરઃ 30-31 માર્ચ, 2026
પવન અને જગદીશ કામથી જઈ રહ્યાં હતાં, ત્યારે સ્કુટી સવારને જાણીજોઈને તેઓની આગળ વાહન લગાવીને મારપીટ કરી. પોલીસે તપાસ કર્યા વગર તેમની પર કલમ 307 લગાવી જેલમાં મોકલી દેવાયા.
જામનગરઃ 31 માર્ચ, 2026
નવીન કાકરાન, મુન્ના કુમારી, આલોકસિંહ, પુનીતરાજ, પ્રિયવ્રતની ગાડીને એક ટુ-વ્હીલર સવારે ટચ કર્યું. તેણે આલોકસિંહ સાથે બબાલ કરી ધક્કો માર્યો. પોલીસે પીડિતો પર જ 307નો કેસ કર્યો.
સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આ સ્કૂટર સવાર આખરે કોણ છે? તેમને દરેક જગ્યાએ આપ (આમ આદમી પાર્ટી) ના કાર્યકર્તાઓ સાથે ટક્કર મારવા માટે કોણ મોકલી રહ્યું છે? અને દરેક જગ્યાએ એવું લાગે છે કે પોલીસ તેમની ફરિયાદ પર એક જેવી જ FIR કરવા માટે તૈયાર બેઠી છે.
આનાથી સ્પષ્ટ જાહેર થાય છે કે આ બધું એક પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ થઈ રહ્યું છે. માત્ર આ ત્રણ કેસ જ નહીં, અત્યાર સુધી અમારા જેટલા પણ કાર્યકર્તાઓની અન્ય કેસોમાં ધરપકડ કરવામાં આવી છે, તે તમામ પર લગાવાયેલા કેસ સંપૂર્ણપણે ખોટા અને નકલી છે. એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના સેંકડો નેતાઓ અને કાર્યકર્તાઓના ઘરે પોલીસ જઈને ખુલ્લેઆમ ધમકી આપી રહી છે. તેમને ગુજરાત છોડવા માટે કહેવામાં આવી રહ્યું છે, અન્યથા ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપવામાં આવી રહી છે. તેમના પરિવારોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમને વિવિધ રીતે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ