
સુરત, 02 એપ્રિલ (હિ.સ.) : શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ વસતા દેવડી રોડ પર ટ્રાફિક પોલીસ વાહન ચેકિંગ હતી ત્યારે એક યુવકની બાઈક તેઓએ અટકાવી હતી. જો કે યુવકે પોલીસ સાથે ગેરવર્તણુક કરી તેમની સાથે ઝપાઝપી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર પોલીસ કર્મચારીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી નોકરી પર હુમલાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે કતારગામ વિસ્તારમાં આવેલ વસતા દેવડી રોડ પ્રમુખ દર્શન બિલ્ડીંગના ગેટ પાસે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન સાથે વાહન ચેકિંગનું કામ કરી રહી હતી. આ સમયે કોન્સ્ટેબલ કમલેશભાઈ ધનજીભાઈ ચૌધરીએ એક બાઈક ચાલકને અટકાવતા તેમણે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. જેથી કમલેશભાઈએ પૂછપરછ કરતા તેમનું નામ નરેન્દ્ર દેવદભાઈ કલસરિયા (રહે વિક્રમ નગર સોસાયટી અર્ચના સ્કૂલ પાસે સીતાનગર ચાર રસ્તા પુણા ગામ) (મૂળ વતન બેડીયા ગામ તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ) જણાવ્યું હતું. નરેન્દ્ર એ કમલેશભાઈ સાથે જાહેરમાં જ ગેરવર્તણુક કરી ફરજમાં રુકાવટ ઊભી કરી તેમની સાથે ઝપાઝપી કરી હતી. જેથી આખરે બાદમાં ભોગ બનનાર કમલેશભાઈએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરેન્દ્ર કલસરિયા સામે સરકારી નોકર પર હુમલાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે