ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે, જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના
- જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં ખેલાડીઓને વિના મૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની સઘન તાલીમ આપવામાં આવે છે, રાજ્ય સરકાર પ્રતિ ખેલાડી વાર્ષિક રૂ.1.68 લાખનો અંદાજિત ખર્ચ કરે છે ગાંધીનગર, 02 એપ્રિલ (હિ.સ.) : શિસ્ત, ખેલદિલી અને ટીમ વર્ક- આ એવા મૂલ્યો છે, જ
ખેલાડી


ખેલાડી


ખેલાડીઓ


- જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં ખેલાડીઓને વિના મૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની સઘન તાલીમ આપવામાં આવે છે, રાજ્ય સરકાર પ્રતિ ખેલાડી વાર્ષિક રૂ.1.68 લાખનો અંદાજિત ખર્ચ કરે છે

ગાંધીનગર, 02 એપ્રિલ (હિ.સ.) : શિસ્ત, ખેલદિલી અને ટીમ વર્ક- આ એવા મૂલ્યો છે, જે કોઈ પાઠ્યપુસ્તક નહીં, પરંતુ રમતનું મેદાન શીખવે છે. રમતગમત વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે એવું દ્રઢપણે માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના શરૂ કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના પ્રતિભાશાળી ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની તાલીમ પૂરી પાડીને તેમની પ્રતિભાને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હાલમાં ગુજરાતમાં 39 જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે અને અત્યાર સુધીમાં 12000 થી વધુ ખેલાડીઓએ આ યોજનાનોનો લાભ મેળવ્યો છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને પૂર્ણ કરવા માટે વર્ષ ૨૦૧૩-૧૪માં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના શરૂ કરવામાં આવી હતી. ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન (પ્રતિભા શોધ)ની પ્રક્રિયા અંતર્ગત ખેલાડીઓની યંગ ટેલેન્ટ અને પ્રુવન ટેલેન્ટ (જે તે રમતમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ) એમ બે કેટેગરીમાં પસંદગી કરવામાં આવે છે. પસંદગી પામેલ ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ, પુસ્તકો અને સ્ટેશનરી, નિવાસ, ભોજન, શાળાનો ગણવેશ, સ્પોર્ટ્સ કિટ, સઘન તાલીમ અને સ્ટાઇપેન્ડ જેવા લાભો આપવામાં આવે છે. DLSS યોજના અંતર્ગત ખેલાડીઓને વૈજ્ઞાનિક અભિગમથી તાલીમ આપવામાં આવે છે, જેમાં ફિટનેસ, ટેકનિક, આહાર માર્ગદર્શન, ઇન્જરી પ્રિવેન્શન જેવા પાસાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. રાજ્યમાંથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની નોંધનીય ભૂમિકા રહી છે.

છેલ્લા ૨ વર્ષ દરમિયાન રાજ્ય કક્ષાએ યોજાયેલ વિવિધ રમતોની સ્પર્ધાઓમાં DLSS શાળાના ખેલાડીઓએ કુલ ૩૪૪૪ મેડલ તથા રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં કુલ ૩૩૫ મેડલ પ્રાપ્ત કર્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ૧ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રાજ્યમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૧૨,૦૦૦ થી વધુ ખેલાડીઓ તેનો લાભ લઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૨૫-૨૬ મુજબ, ૨૯ જિલ્લાઓમાં ૩૯ સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે અને ૫૩૦૦ થી વધુ ખેલાડીઓ જુદી-જુદી ૨૧ રમતોમાં તાલીમ મેળવી રહ્યા છે. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં ખેલાડીઓને નિષ્ણાંત કોચ, ટ્રેનર અને યોગ ટ્રેનર દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવે છે તેમજ ખેલાડીઓની ફિટનેસ અને રિકવરી માટે ફિઝિયોથેરાપિસ્ટ પણ ઉપલબ્ધ હોય છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ખેલાડી વાર્ષિક રૂ. ૧.૬૮ લાખનો અંદાજિત ખર્ચ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૬માં આ યોજના હેઠળ કુલ રૂ. ૯૫.૭૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

શૂટિંગની રમતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી અને અર્જુન અવૉર્ડથી સન્માનિત ઇલાવેનિલ વાલરીવન પૂર્વ DLSS ખેલાડી છે. ઇલાવેનિલે અમદાવાદના સાણંદ ખાતે આવેલી લક્ષ્મણ જ્ઞાનપીઠ સ્કૂલમાં તાલીમ મેળવી છે અને આજે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતનું નામ રોશન કરી રહી છે.

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં તાલીમ દરમિયાનનો પોતાનો અનુભવ વર્ણવતા ઇલાવેનિલ વાલરીવને જણાવ્યું કે, “મેં વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૭ દરમિયાન સાણંદની લક્ષ્મણ જ્ઞાનપીઠ સ્કૂલમાં તાલીમ લીધી હતી, જેણે શૂટર તરીકે મારી પ્રતિભા નિખારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અહીં મળેલી આધુનિક સુવિધાઓ, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ, નિષ્ણાત કોચિંગ અને શૂટિંગ માટે ઉપલબ્ધ રેન્જ સેટઅપ મને ખૂબ મદદરૂપ બન્યા. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના મારી કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે.”

ઉલ્લેખનીય છે કે, ઇલાવેનિલે ૨૦૨૫ની એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ, ૨૦૨૫ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ, ૨૦૨૪ના રિયો ડી જાનેરો વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ તેમજ ૨૦૨૪ની જકાર્તા એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત, ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ અને પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ડાંગ જિલ્લાના બિલીઆંબા ગામના રહેવાસી અને ખો ખો ખેલાડી ઓપીનાબેન દેવજીભાઈ ભિલાર પણ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) ના ખેલાડી રહી ચૂક્યા છે. તેમણે ખો ખો વર્લ્ડ કપ ૨૦૨૫ (ભારત)માં ગોલ્ડ મેડલ, ૫૬મી સિનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ ૨૦૨૪ દિલ્હીમાં ગોલ્ડ મેડલ અને પ્રથમ જન્મ જયંતી ખેલ મહોત્સવ ઓડિશા ૨૦૨૩-૨૪માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તેઓ ૫૫મી સિનિયર રાષ્ટ્રીય ખો ખો ચેમ્પિયનશિપ ૨૦૨૩ (મહારાષ્ટ્ર) તથા ગોવામાં આયોજિત ૩૭મી નેશનલ ગેમ્સ ખો ખો ચેમ્પિયનશિપ ૨૦૨૩માં પણ ભાગ લઈ ચૂક્યા છે.

ડાંગથી વર્લ્ડ કપ સુધીની સફર ખેડનારા ઓપીનાબેન જણાવે છે કે, “રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ભાગ લીધા બાદ મારા શિક્ષકે મને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજનાની માહિતી આપી અને તેમના માર્ગદર્શનથી હું વર્ષ ૨૦૧૪માં DLSSમાં જોડાઈ. અહીં મને નિષ્ણાત કોચ દ્વારા સવાર-સાંજ સઘન તાલીમ પ્રાપ્ત થઈ, જે બાદ મને વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬ દરમિયાન વડોદરાની એથ્લેટિક્સ એકેડમીમાં તાલીમ મેળવવાની તક મળી. રાજ્ય સરકારની DLSS જેવી યોજનાના કારણે જ હું ખો-ખોની રમતમાં આગળ વધી શકી અને વર્લ્ડ કપ સુધી પહોંચવાનો મોકો મળ્યો. આજે હું પંચમહાલ જિલ્લામાં કોચ તરીકે કામ કરીને ઊભરતા ખેલાડીઓને માર્ગદર્શન આપી રહી છું.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande