




- 8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન
- 151 કિલોની કેક, 1 લાખ બલૂનની વર્ષા, DJના તાલે ઝૂમી ઉઠ્યા ભક્તો
સાળંગપુર/અમદાવાદ, 02 એપ્રિલ (હિ.સ.) : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતી નિમિત્તે 'કૃતજ્ઞતા મહામહોત્સવ'નો દબદબાભેર પ્રારંભ થયો છે. આતશબાજી અને લોકડાયરાથી ભક્તિમય માહોલ છવાયો. આજે 2 એપ્રિલના રોજ હનુમાન જયંતીના મુખ્ય દિવસે વહેલી સવારે મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે જન્મોત્સવની ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
આજના હનુમાન જયંતીના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જેના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. સવારે 07:30 કલાકે 1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
વહેલી સવારે 7 કલાકે 751 પાટલા સાથેનો 'વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ'નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 1000થી વધારે ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો અદભુત લાભ લીધો હતો. યજ્ઞની ધુમ્રસેરમાં રહેલી પવિત્રતા અને વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણમાં દિવ્ય ઉર્જાનો સંચાર થયો છે.
આ સાથે મંદિરના મુખ્ય શિખર પર ભાવિકો દ્વારા અર્પણ કરાયેલી 108 ધ્વજા ચઢાવવામાં આવી હતી, તો બપોરના સમયે દાદાને 56 ભોગ અન્નકૂટ ધરાવાશે, દાદાના જન્મોત્સવને લઈ ભક્તોમાં તેમજ સંતો મહંતોમાં ખૂબ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. સમગ્ર પરિસરમાં ‘જય શ્રી રામ જય’ના નાદ સાથે સમગ્ર પરિસર ભક્તિમય માહોલમાં જોવા મળ્યું હતું.
ગઈકાલે બુધવારે ઉત્સવના પ્રથમ દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું અત્યંત શ્રદ્ધાપૂર્વક ઐતિહાસિક અને દિવ્ય 'રાજોપચાર પૂજન' કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે 'કિંગ ઓફ સાળંગપુર'ની વિરાટ પ્રતિમા પાસે ભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.
રાત્રિના સમયે આકાશમાં અત્યાધુનિક અને રંગબેરંગી આતશબાજી કરવામાં આવી હતી. સતત ચાલેલી આ ભવ્ય આતશબાજીએ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા હતા અને આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની હતી.
રાત્રિના સમયે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ ભક્તિરસની રમઝટ બોલાવી હતી. કલાકારોએ રજૂ કરેલા ભજનો અને સ્તુતિઓથી ભક્તો ભાવવિભોર બન્યા હતા.
દર્શનાર્થે આવનાર દરેક ભક્તને પ્રસાદનો લાભ મળી રહે તે હેતુથી સવારે 10 કલાકે મહાઅન્નક્ષેત્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત, બપોરે 11 કલાકે શ્રીકષ્ટભંજન દેવને વિશેષ મહાઅન્નકૂટ અર્પણ કરવામાં આવશે, જેમાં દાદાને શ્રદ્ધાપૂર્વક અનેક પ્રકારની વિવિધ વાનગીઓનો થાળ ધરાવીને તેમની વિશેષ આરાધના કરવામાં આવશે.
આ સમગ્ર મહોત્સવ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) ના પ્રેરક માર્ગદર્શન હેઠળ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ