
મહેસાણા, 02 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ફરાર આરોપીઓ સામે પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા “વિશ્વાસઘાત”ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ/ફર્લો સ્કોડ, મહેસાણાએ ઝડપી પાડ્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS)ના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ-ફર્લો સ્કોડે કામગીરી હાથ ધરી હતી.
દરમિયાન હ્યુમન સોર્સ મારફતે મળેલી માહિતીના આધારે વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી પટેલ મયુરકુમાર નરસિંહભાઈ (ઉંમર 37), રહેતા ગુજરાત હાઉસિંગ બોર્ડ, સોમનાથ રોડ, મહેસાણા, પોતાના ઘરે હાજર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તેની ઓળખ ખાતરી કર્યા બાદ તા. 01/04/2026ના રોજ સાંજે 18:50 કલાકે તેને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી PSI કે.જી. ચૌધરી, ASI અનિરુદ્ધ રમણલાલ તેમજ PC રવિકુમાર અને PC હિતેષકુમારની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR