
મહેસાણા, 02 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં પશુ આરોગ્ય સુરક્ષા માટે ચાલી રહેલી NADCP FMD 8th રાઉન્ડની કામગીરીને વધુ અસરકારક બનાવવા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા સહ નોડલ અધિકારી, તમામ તાલુકાના લાયઝન અધિકારીઓ, તાલુકા નોડલ અધિકારીઓ તેમજ સુપરવાઈઝરઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલી પશુ રસીકરણ કામગીરીની હાલની સ્થિતિ, આવરી લેવાયેલા પશુઓની સંખ્યા તેમજ બાકી રહેલા વિસ્તારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ દરેક તાલુકામાં રસીકરણ અભિયાનને ગતિ આપવા, સમયસર ટાર્ગેટ પૂર્ણ કરવા અને વધુમાં વધુ પશુપાલકોને આવરી લેવા સૂચનાઓ આપી હતી.
ખાસ કરીને ગામડાઓમાં જાગૃતિ વધારવા, પશુપાલકોને રસીકરણના મહત્વ વિશે સમજાવવા અને કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે તેની ખાતરી કરવા ભાર મૂકવામાં આવ્યો. સાથે જ, રસીકરણ દરમિયાન આવતી મુશ્કેલીઓ અને તેના ઉકેલ અંગે પણ ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ અભિયાનનો મુખ્ય હેતુ પશુઓમાં ફૂટ એન્ડ માઉથ ડિસીઝ (FMD) જેવા ચેપજન્ય રોગો પર નિયંત્રણ મેળવી પશુ સંપત્તિનું સંરક્ષણ કરવાનું છે, જેનાથી ખેડૂતો અને પશુપાલકોને આર્થિક રીતે પણ લાભ થશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR