
અમદાવાદ,02 એપ્રિલ (હિ.સ.) હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્રીજું માવઠુ વરસવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.રાજ્યમાં આવનાર 10 દિવસમાં માવઠાની આગાહી,સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે કરા પડવાની સંભાવના.
રાજ્યમાં ભરઉનાળે ખેડૂતોને ત્રીજી વખત કમોસમી વરસાદનો માર સહન કરવાનો વખત આવી શકે છે. હાલમાં રાજ્ય તરફ ત્રણ વરસાદી સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે.દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ગાજવીજ, આંધી-તોફાન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વરસાદી ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 37 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે.
આવનારા 48 કલાકમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ) સર્જાવા જઈ રહ્યો છે, જેની અસર દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા છે. પવનની ગતિ 60થી 70 કિલોમીટરની ઝડપે ઉત્તર ભારતના ભાગોમાં થવાની શક્યતા છે. કરા પડવાની પણ શક્યતા છે અને તેની અસર ગુજરાતના વિવિધ ભાગો પર પણ થવાની શક્યતા છે. 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા છે. દ્વારકાના ભાગમાં હવામાન પલટાશે, જામનગરના ભાગો અને આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા છે.
પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આ ભાગોમાં વધુ થવાની શક્યતા છે.
આ સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને સુરતના ભાગોમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતના ભાગોમાં પવનની ગતિ લગભગ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તો કેટલાક ભાગોમાં 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
અડધા ભારતમાં પ્રિમોન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારમાં પણ હવામાન પલટાશે. પુનઃ 10થી 12 એપ્રિલથી વાતાવરણમાં પલટો આવી શકે છે અને ભારે પવન સાથે વરસાદી પડી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ