
પાટણ, 05 એપ્રિલ (હિ.સ.) : શૈક્ષણિક વર્ષ 2026-27 માટે RTE હેઠળ ધોરણ-1માં મફત પ્રવેશ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 4 એપ્રિલ, 2026થી સમગ્ર રાજ્યમાં શરૂ થઈ ગઈ છે. વાલીઓ 17 એપ્રિલ, 2026 સુધી સત્તાવાર વેબસાઈટ પરથી અરજી કરી શકે છે.
પાટણ જિલ્લામાં કુલ 105 ખાનગી પ્રાથમિક શાળાઓમાં આ વર્ષે RTE હેઠળ 895 બેઠકો ઉપલબ્ધ છે. રાજ્યભરમાં અંદાજે 84,000થી વધુ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે, જેના કારણે વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રવેશ માટે બાળકની ઉંમર 1 જૂન, 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલી હોવી જરૂરી છે. એટલે કે, બાળકનો જન્મ 2 જૂન, 2019થી 1 જૂન, 2020 વચ્ચે થયેલો હોવો જોઈએ. વાલીની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.
અરજી કરવા માટે વાલીઓએ બાળક અને વાલીનું આધારકાર્ડ, જન્મ દાખલો, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે.
પ્રવેશમાં અનાથ, બાલમજૂર, સંભાળની જરૂરિયાતવાળા, શારીરિક રીતે અક્ષમ, SC-ST, SEBC, EWS અને અન્ય પાત્ર વર્ગોના બાળકોને અગ્રતા આપવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને નિઃશુલ્ક હોવાથી વાલીઓને કોઈ એજન્ટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ