

કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છના ભુજ વિસ્તારમાં પોલીસ દ્વારા ક્રિકેટ સટ્ટા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે માધાપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડો પાડી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચો પર સટ્ટો રમતા ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે કેટલાક શખ્સો હજી ફરાર છે.
માહિતી મુજબ, LCB સ્ટાફ માધાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે માધવબાગ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ક્રિકેટ સટ્ટો ચલાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જરૂરી ચકાસણી કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી માટે વોરન્ટ મેળવી તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન આરોપી નીલેશ પ્રતાપભાઈ નંદાના મકાનમાંથી સટ્ટાબાજી ચાલી રહી હોવાનો ખુલાસો થયો. આરોપીઓ IPLની મેચોમાં કઈ ટીમ જીતશે-હારશે, ઓવરમાં કેટલા રન થશે અને રનના તફાવત જેવા મુદ્દાઓ પર રૂપિયા લગાવી સટ્ટો રમતા હોવાનું સામે આવ્યું. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે તેઓ “iAssistant” નામની મોબાઈલ એપ્લિકેશન તથા એક્સેલ શીટનો ઉપયોગ કરી સોદાની એન્ટ્રીઓ રાખતા હતા.
પોલીસ તપાસ દરમિયાન મળેલા ડેટા મુજબ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમોના સોદાઓમાં હજારો રૂપિયાના હિસાબ જોવા મળ્યા હતા. કુલ મળીને અંદાજે રૂ. 55.25 લાખ જેટલો સટ્ટાનો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે સ્થળ પરથી ટીવી, લેપટોપ, મોબાઈલ ફોન અને નેટવર્ક સાધનો સહિત કુલ રૂ. 76 હજાર જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં નીલેશ નંદા (ઉંમર 50), ધર્મેશ ચોથાણી (ઉંમર 49) અને નિતેશ ભોજવાણી (ઉંમર 24)નો સમાવેશ થાય છે. આ સિવાય સટ્ટાના સોદામાં જોડાયેલા બે અન્ય વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે.
આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. IPL જેવી લોકપ્રિય ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ સટ્ટાના કેસોમાં વધારો થતો હોવાના કારણે પોલીસ દ્વારા આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar