
સુરત, 05 એપ્રિલ (હિ.સ.) : સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા કાપડના વેપારી પર વ્યાજખોરોના ભારે દબાણના કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. વેપારીએ જણાવ્યું હતું કે તેમણે આશરે 90 લાખ રૂપિયાની લોન લીધી હતી, પરંતુ વ્યાજ રૂપે અત્યાર સુધીમાં 2.5 કરોડ જેટલી મોટી રકમ ચૂકવી દીધી હોવા છતાં દેવાનો ત્રાસ બંધ થયો નહોતો. સતત વધતા દબાણને કારણે તેઓ માનસિક રીતે તૂટી ગયા હતા.
આ પરિસ્થિતિથી કંટાળી વેપારીએ સલાબતપુરા વિસ્તારમાં દરગાહ પાસે ફિનાઈલ પી લીધું હતું. સદભાગ્યે, સમયસર મિત્રને જાણ થતાં તેમને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, દેવું ચૂકવવા માટે મિલકતો પણ વેચવામાં આવી હતી, છતાં વ્યાજખોર તરફથી ઉઘરાણી અને ધમકીઓ ચાલુ જ રહી હતી.
આ પગલું ભરતા પહેલાં વેપારીએ ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી હતી અને એક વીડિયો પણ બનાવ્યો હતો. તેમાં તેમણે પોતાની મુશ્કેલીઓ અને ત્રાસની વિગત આપી છે અને એક વ્યક્તિને પોતાની હાલત માટે જવાબદાર ગણાવ્યો છે. આ નોટ અને વીડિયો હવે પોલીસ તપાસ માટે મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે.
વિડિયોમાં વેપારીએ મિત્રો અને પરિવારજનોને માફી માંગતા કહ્યું હતું કે તેઓ હવે સંપૂર્ણ રીતે કંટાળી ગયા છે અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નથી દેખાતો. તેમણે પોતાની પરિવારને હેરાન ન કરવા વિનંતી કરી અને અંતમાં પોતાના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે