


કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં તા. ૦૫/૦૪/૨૦૨૬ની રાત્રે એક જ સમયગાળામાં આગની બે અલગ- અલગ ઘટનાઓ સર્જાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે ફાયર બ્રિગેડની ઝડપી અને સતર્ક કામગીરીના કારણે બંને સ્થળે આગ પર સમયસર કાબૂ મેળવી મોટી નુકસાનકારક પરિસ્થિતિ ટાળી શકાઈ હતી.
મળતી માહિતી મુજબ રાત્રે લગભગ ૦૮:૨૦ વાગ્યે ભુજ ફાયર કંટ્રોલ રૂમને પ્રમુખસ્વામી નગર વિસ્તારમાં આવેલ કતીરા કોમ્પ્લેક્સમાં ટાયર અને ભંગારના ઢગલામાં આગ લાગ્યાની જાણ મળી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઝડપથી કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી.
આ ઘટનાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ ફાયર ઓફિસર સચિન પરમાર તરફથી બીજી એક આગની માહિતી પ્રાપ્ત થઈ હતી. પ્રમુખસ્વામીનગર ખાતે ભાટીયાવાડી વાડી સામે આવેલી મહેક ડ્રાય ક્લિનર દુકાનમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તરત જ ત્યાં પહોંચી ગઈ હતી. ટીમે સુવ્યવસ્થિત કામગીરી દ્વારા આ આગને પણ નિયંત્રણમાં લઈ લીધી હતી.
આ બંને આગની ઘટનાઓમાં સદભાગ્યે કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ તાત્કાલિક કામગીરીના કારણે મોટી નુકસાની અટકાવી શકાયી હતી.
આ કામગીરી દરમિયાન ડી.સી.પી.ઓ. રવિરાજ ગઢવી, ડ્રાઇવર ઇસ્માઇલ જત, ફાયરમેન ઋષિ ગોર, કરણ જોષી, હીરજી રબારી, સંજય સોઢા તેમજ ફાયર હેલ્પર ઉજ્જવલ ગોસ્વામી સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની ઝડપી પ્રતિસાદ ક્ષમતા અને ટીમવર્કને કારણે બંને આગની ઘટનાઓમાં સમયસર નિયંત્રણ મેળવી શકાયું હતું. સ્થાનિકોમાં ફાયર બ્રિગેડની કામગીરી પ્રત્યે પ્રશંસા વ્યક્ત થઈ રહી છે, જ્યારે આગ લાગવાના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar