માંડવીમાં સેવાભાવી પહેલ: 80મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો, 142 લોકોને મળ્યો લાભ
કચ્છ, ૦6 એપ્રિલ (હિ.સ.) : માંડવી ખાતે આરોગ્ય સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સેવાકીય પહેલરૂપે 80મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોને આંખોની તપાસ અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. આ કેમ્પનું આયોજન રાજ
EYE


કચ્છ, ૦6 એપ્રિલ (હિ.સ.) : માંડવી ખાતે આરોગ્ય સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સેવાકીય પહેલરૂપે 80મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોને આંખોની તપાસ અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. આ કેમ્પનું આયોજન રાજકોટસ્થિત રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ટ્રસ્ટ અને માંડવી લોહાણા બોર્ડિંગના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય યજ્ઞને ધાર્મિક પ્રેરણા અને દાતાશ્રીઓના સહકારથી વિશેષ બળ મળ્યું હતું. જૈનાચાર્ય ગુણોદયસાગર સૂરિશ્વરજી મ.સા.ના આત્મશ્રેયાર્થે રાજરત્નસાગરજી અને પ્રિયંકસાગરજી મ.ની પ્રેરણાથી કચ્છ-સુથરી તીર્થ (મુલુંડ) નિવાસી લક્ષ્મીબાઈ રાયચંદ કાનજી ધુલ્લા પરિવાર દ્વારા આ કેમ્પમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

કેમ્પ દરમિયાન કુલ 142 દર્દીઓની આંખોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 19 દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રામકૃષ્ણ મઠ ભુજના સહયોગથી હોમિયોપેથી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં 52 દર્દીઓને નિઃશુલ્ક તપાસ સાથે દવાઓ આપવામાં આવી.

સામાજિક સેવા અને પર્યાવરણ જાગૃતિને ધ્યાનમાં રાખીને માંડવીના મુસાભાઈ ઘાંચી દ્વારા 100 ચકલીઘર અને પાણીના કૂંડાંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે પ્રશંસનીય પહેલ બની.

કેમ્પનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ હરિશ ગણાત્રા, ટ્રસ્ટી શાંતિલાલ ગણાત્રા, રશ્મિબેન ગાલા, ભાવનાબેન ગાલા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. તબીબી સેવાઓમાં રાજકોટના ડૉ. અલ્કેશ ખરેડિયા તેમજ હોમિયોપેથી ટીમના ડૉ. મનોજ માકાણી, ડૉ. શીતલબેન મારવાડા, ડૉ. વિશ્વા પારેખ અને ડૉ. ઈશા ભાટિયા સહિતના તબીબોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશ સોમૈયા, હસમુખ ઠક્કર, મહેન્દ્ર ચોથાણી સહિત અનેક સેવાભાવી વ્યક્તિઓએ નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન જયેશ સોમૈયાએ સંભાળ્યું હતું, જ્યારે હસમુખ ઠક્કરે અંતમાં આભારવિધિ વ્યક્ત કરી હતી.

આ કેમ્પ દ્વારા માંડવી અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ સાથે, લોકોને નિઃશુલ્ક સારવારની સુવિધા ઉપલબ્ધ થતા લોકોએ આ પહેલને વધાવી લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande