અમિત શાહ આજે લદ્દાખને ડેરી અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે
નવી દિલ્હી, 01 મે (હિ.સ.): કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, આજે લદ્દાખના લેહમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બુદ્ધિસ્ટ સ્ટડીઝ (સીઆઈબીએસ) ખાતે ડેરી અને સહકારી ક્ષેત્ર સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ-ફોટો સ્કેચ ફાઈલ


નવી દિલ્હી, 01 મે (હિ.સ.): કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, આજે લદ્દાખના લેહમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બુદ્ધિસ્ટ સ્ટડીઝ (સીઆઈબીએસ) ખાતે ડેરી અને સહકારી ક્ષેત્ર સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ અને લદ્દાખના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના ઉપસ્થિત રહેશે.

સહકાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે લદ્દાખમાં ડેરી માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા માટે પહેલ કરી છે. શાહ કારગિલમાં પ્રતિદિન 10 ટનની ક્ષમતા ધરાવતા ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કરવાની સાથે લેહમાં દહીં અને પનીર ઉત્પાદન એકમોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે દૂધના સંગ્રહ અને પરિવહનને બહેતર બનાવવા માટે બલ્ક મિલ્ક કૂલર સિસ્ટમ પણ શરૂ કરવામાં આવશે. આ સાથે એન્ડ્રોઇડ આધારિત ઓટોમેટેડ મિલ્ક કલેક્શન સિસ્ટમ (એએમસીએસ) એપ પણ લોન્ચ કરવામાં આવશે. તેનાથી દૂધની ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને ખેડૂતોને ચુકવણી કરવામાં સરળતા રહેશે.

મંત્રાલયના જણાવ્યા મુજબ, દૂધની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે એક મોબાઈલ દૂધ પરીક્ષણ પ્રયોગશાળાને પણ લીલી ઝંડી બતાવવામાં આવશે. ડેરી ઉત્પાદનોના માર્કેટિંગ અને વિતરણને વધારવા માટે વિવિધ હિતધારકો વચ્ચે સમજૂતી પત્ર (એમઓયુ) પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે. પ્રગતિશીલ ડેરી ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande