
રાજકોટ,01 મે (હિ.સ.) રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં સરકારી જમીનમાં 300 ચોરસ વારમાં ગેરકાયદે બાંધકામ કરી અંદાજિત એક કરોડ કિંમતનું આલીશાન મકાન બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આજે કુખ્યાતના આરોપીના 1 કરોડના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં આજે સવારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
લાંબા સમયથી ગુનાખોરી સાથે સંકળાયેલા એક કુખ્યાત આરોપીના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. શરીર સંબંધી 13 જેટલા ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠાનું આલીશાન મકાન તોડી પાડવામાં આવ્યું હતું.
આરોપી દ્વારા 300 ચોરસ વાર જગ્યામાં આ ગેરકાયદે બંગલો બનાવવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ આંકવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મામલતદારની હાજરીમાં આજે 1 મેએ સવારથી આરોપીના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભાયાવદર પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં પોલીસે નોમાન શેઠા, અલ્તાફ ઉર્ફે અફલો જેડા, અયાન ઉર્ફે સર્વિસ ગણોદવાલા, શાહરૂખ ઉર્ફે મસ્તાન નોઇડા, સોયમ ઉર્ફે સોહિલ ધાવડા સહિત એક સગીર વયના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
જયારે મુખ્ય આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. જેથી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જ આઇજી નિર્લપ્તિ રાય, જિલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર દ્વારા આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ તપાસીને તાત્કાલિક પકડી પાડવા અને તેમની ગેરકાયદે મિલકત બાબતે તપાસ કરવા સૂચના આપી હતી. દરમિયાન એએસપી સિમરન ભારદ્રાજ અને ભાયાવદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઇ એ.બી.જાડેજા દ્વારા આરોપી અલીમામદ તૈયબ શેઠાની મિલકત બાબતે તલાટી મંત્રી પાસેથી માહીતી મેળવી હતી.
તપાસ દરમિયાન આરોપીએ પડવલા ગામે માખીયાળા રોડ ઉપર સરકારી જમીનમાં 300 ચોરસ વારમાં ગેરકાયદે બાંધકામ કરી અંદાજિત એક કરોડ કિંમતનું આલીશાન મકાન બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. જે દબાણ દુર કરવા માટે સરપંચ તથા તલાટીકમ મંત્રી દ્વારા સરકારી જમીનમાંથી દબાણ દુર કરવા નિયમાનુસાર નોટિસની બજવણી કરી હતી. પરંતુ આરોપી દ્વારા દબાણ દુર નહીં કરતા તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા દ્વારા આજે દબાણ દુર કરવાની કાર્યવાહીની સૂચના આપી હતી. જે બાદ મામલતદારની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દુર કરી સરકારી જમીન ખાલી કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે આરોપી અલીમામદ તૈયબ શેઠા વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, મારામારી, જાનથી મારી નાખવા ધમકી આપવા તેમજ આર્મ્સ એક્ટ સહીત 13 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જયારે 30 માર્ચના રોજ નોંધાયેલી હત્યાની કોશિશના ગુનામાં હજુ પણ તે ફરાર છે. જેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ