

પોરબંદર, 01 મે (હિ.સ.) ભારત સરકાર દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરની સ્વચ્છતા, નાગરિક સુવિધાઓ અને સેવાઓ અંગે લોકોનો સીધો પ્રતિસાદ મેળવી શહેરના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે નાગરિકો દ્વારા આપવામાં આવતો ફીડબેક સીધો સંબંધિત વિભાગો તથા રાજ્ય સરકાર સુધી પહોંચશે, જેના આધારે શહેરમાં રહેલી સમસ્યાઓનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવામાં મદદ મળશે.
સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત નાગરિકોને કુલ 13 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં શહેરની સ્વચ્છતા, કચરા વ્યવસ્થા, જાહેર સુવિધાઓ, માર્ગોની સ્થિતિ, પીવાના પાણીની ઉપલબ્ધતા અને સફાઈ સંબંધિત સેવાઓ અંગે માહિતી લેવામાં આવશે.
આ અભિયાનમાં નાગરિકોની ભાગીદારી સરળ રહે તે માટે મોબાઇલ દ્વારા QR Code સ્કેન કરીને અથવા https://cf.sbmurban.org/ઓનલાઇન પ્લેટફોર્મ પર જઈને ફીડબેક આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા શહેરના તમામ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરી છે. વધુમાં વધુ લોકો ફીડબેક આપશે તો શહેરને સ્વચ્છતા રેન્કિંગમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવામાં મદદ મળશે તેમજ નાગરિકોને મળતી સુવિધાઓમાં ગુણવત્તાપૂર્વક સુધારો શક્ય બનશે. નાગરિકો અને મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી જ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને વિકાસશીલ પોરબંદરનું નિર્માણ શક્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya