
ગીર સોમનાથ 01 મે (હિ.સ.) ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ-૨૦૨૬ માં સહભાગી થવા માટે દિલ્હીથી સોમનાથ પધારી રહેલા દિલ્હીવાસીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિલ જીતી લેતી સુદ્રઢ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
યાત્રિકો વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પધારે ત્યારે તેમના સ્વાગત થી માંડી ટ્રાન્સપોર્ટેશન તેમજ મંદિર તથા આસપાસના દાર્શનિક અને ધાર્મિક સ્થળોના દર્શનની સુદ્રઢ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ઉત્સવ જેવા માહોલમાં વિવિધ રાજ્યોમાંથી વિશેષ ટ્રેન દ્વારા પધારતાં હજારો શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.
સ્વાગત :-
વહીવટી તંત્ર દ્વારા ટ્રેન દ્વારા પધારતાં દર્શનાર્થીઓનું રેલવે સ્ટેશન ખાતે જ ઉષ્માભર્યું અને પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવે છે. પરંપરાગત ગુજરાતી ગરબાના તાલે અને પુષ્પવૃષ્ટિ સાથે યાત્રિકોનું સ્વાગત કરવામાં આવે છે.
હેલ્પ ડેસ્ક અને કંટ્રોલરુમની વ્યવસ્થા :-
રેલ્વે સ્ટેશન પર કાર્યરત કરવામાં આવેલા 'હેલ્પ ડેસ્ક' અને 'કંટ્રોલ રૂમ' દ્વારા યાત્રાળુઓને તેમના ઉતારા (એકોમોડેશન) અને બસ રૂટ અંગેની માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં આવે છે.
ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા :-
વેરાવળ ખાતે પહોંચેલા યાત્રાળુઓ તેમને ફાળવેલા ગંતવ્યસ્થાન સુધી પહોંચે તે માટે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈપણ પ્રકારની પરેશાની વગર યાત્રાળુઓ તેમને ફાળવેલા સ્થળ સુધી સરળતાથી પહોંચી જાય. આ બસમાં રૂટ સુપરવાઈઝરો દ્વારા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સતત દેખરેખ રાખવામાં આવે છે.
વ્યવસ્થાઓ માટે સમિતિની રચના :-
સોમનાથ સ્વાભિમાન પર્વમાં પધારતા યાત્રાળુઓની વ્યવસ્થા જળવાય તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત સ્વાગત સમિતિ દ્વારા સ્ટેશન પર પધારતા યાત્રાળુઓને જરુરી માર્ગદર્શન સાથે તેઓ જે-તે રુટની બસમાં બેસી જાય તે માટેની કાળજી લેવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ