



-બાપ દિકરો ખુલ્લી તલવાર લઈ નીકળ્યા અને દહેગામનું પાણી બંધ થશે તેવી ચીમકી આપી
- ખાલીદ મલેકનો પુત્ર સકીલ મલેક ભાજપમાંથી હારી ગયો છે જ્યારે આપનો ઉમેદવાર જીતી ગયો છે
-પિતા ખાલિદ અને પુત્ર સકીલ મલેક ભાજપના ખેસ સાથે હાથમાં ખુલ્લી તલવારે નીકળતા સ્થાનિકોમાં રોષ
ભરૂચ 01 મે (હિ.સ.) ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીના પરિણામો બાદ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, જંબુસર પંથકમાં હાર પચાવી ન શકનારા તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જંબુસરના કાવી-2 બેઠક પર ભાજપના ઉમેદવારનો પરાજય થતા, ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ ખુલ્લી તલવારો સાથે જાહેરમાં આતંક મચાવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.જાહેર માર્ગો પર તલવારો લહેરાવી, લોકોમાં ફાળ પડી ગઈ છે.
વાયરલ થયેલા વીડિયો મુજબ, ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાની કાવી 2 સીટ ઉપર ભાજપનાં ઉમેદવાર તરીકે સકીલ ખાલીદ અહેમદ મલેક ઉમેદવાર હતા અને તેઓ પરાજીત થતાં તેમની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત મેળવતા જ પરાજીત થયેલા જંબુસર તાલુકાના દહેગામના વતની ખાલીદ અહેમદ મલેકે એક મેસેજ અને ફોટા વાયરલ કર્યા જેમાં ફોટામાં ભાજપમાંથી હારી ગયેલો દિકરો સકીલ ખાલીદ અહેમદ પટેલ પોતાના ગળામાં ભાજપનો ખેસ જમણા હાથમાં ખુલ્લી તલવાર અને તેમની સાથે જ પરાજીત ઉમેદવારનો પિતા ખાલીદ અહેમદ મલેક કે જેના જમણા હાથમાં પણ ખુલ્લી તલવાર અને તેમની પાછળ એક વ્યકિતના કપડા ઉપર ચૂંટણી બુથ ઉપર જવાનું ઓળખ કાર્ડ હોય જેથી ગામમાં ભયનો માહોલ ઉભો કરવા અને સોશ્યલ મીડીયા ઉપર મેસેજમાં કહયું છે કે કાન ખોલીને સાંભળી લેજો આ કોઈ સામાન્ય સુચના નથી પણ એક આખરી નિર્ણય છે પાણી પુરવઠો હવેથી બંધ રહેશે જો કોઈને પણ આ બાબતે કોઈપણ સમસ્યા, વાંધો કે પ્રશ્ન હોય તો તેમને બીજે કયાંય રજુઆત કરવાને બદલે સીધો મારો સંપર્ક કરવો.
ભાજપના કાર્યકરો હોવાથી પોલીસ નરમ પડશે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નેટીઝન્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે સામાન્ય રીતે અસામાજિક તત્વોનું જાહેરમાં સરઘસ કાઢતી પોલીસ, શું આ કિસ્સામાં પણ એવું જ કડક વલણ અપનાવશે?
મુખ્ય સવાલો જે સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યા છે.શું ગૃહમંત્રી હર્ષ સંઘવી આ પિતા-પુત્રનું જાહેરમાં સરઘસ કઢાવશે કે કેમ પ્રજા પૂછે છે.પોતાના પક્ષના (ભાજપના) કાર્યકરો હોવાથી શું તેમને છાવરવામાં આવશે તેવું લોકોમાં ગણગણાટ.શું પોલીસ આ શખ્સોનું રી-કન્સ્ટ્રક્શન કરાવીને જનતામાં ફેલાયેલો ભય દૂર કરશે તો તેની ધાક રહેશે .હારના આક્રોશમાં કાયદો હાથમાં લેનારા આ પિતા-પુત્ર સામે પોલીસ હવે કેવા પ્રકારના પગલાં ભરે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.
જો કે આ બાબતે જંબુસર કાવી પોલીસ મથકના પી.આઈ. કે.એમ. ચૌધરીનો ટેલીફોનીક સંપર્ક કરતાં તેઓએ કહયું હતું કે આવા કોઈ ફોટા વાયરલ થયા છે તો તે બાબતે કાર્યવાહી કરવામાં આવશે અને પી.આઈ.એ મીડીયા પાસેથી જ ફોટા અને સ્કીન શોર્ટ પણ મેળવી કાર્યવાહી કરી હોવાનું કહયું હતું.
મત ગણતરીના દિવસથી જ પાણી પુરવઠો બંધ સ્થાનિકો
ભાજપના ઉમેદવાર સકીલ મલેક પરાજીત થતાં તેઓ અને તેના પિતાનો મત ગણતરીના દિવસનો ખુલ્લી તલવાર સાથે ફોટો વાયરલ થયો છે અને દહેગામને હવે પાણી મળે નહી તેવા ધમકી ભર્યા મેસેજ વચ્ચે મત ગણતરીના દિવસથી જ પાણી પુરવઠો દહેગામમાં બંધ થયો હોય તેવી માહિતી સુત્રો પાસેથી મળી રહી છે અને પાણી પુરવઠો સરકારી વાવમાંથી અપાઈ પરંતુ હાલમાં પાણી પુરવઠો કેમ બંધ છે શું તે ધમકી મુજબનો છે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડયું છે.
792 મતની લીડ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલ મલેકે જીત મેળવી
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની કાવી–2 પર ભાજપના ઉમેદવારને મતો ન મળતાં અને આમ આદમીના ઉમેદવારને 792 મતોની લીડ મળતાં મત ગણતરી બાદ ગામનું વાતાવરણ ગરમ હતું અને ભાજપના ઉમેદવારને ભાજપના જ લોકોએ મત ન આપતા અને બુથ મુજબ ભાજપના મત ન નીકળતા ભાજપના ઉમેદવાર ગુસ્સે ભરાયા હતા અને મત ગણતરીના દિવસે જ કેટલાંક લોકો સાથે ગાળા ગાળી પણ કરતાં હોવાના વીડીયો સોશ્યલ મીડીયા ઉપર વાયરલ થયા છે.
મત ગણતરીના દિવસે પણ પિતા–પુત્ર બસ સ્ટેન્ડ નજીક ખુલ્લી તલવાર સાથે વીડીયોમાં વાયરલ
જંબુસરના કાવી નજીકના બસ સ્ટેન્ડ નજીક પણ પિતા–પુત્ર ખુલ્લી તલવાર સાથે ગાળો ભાંડી રહયા હોય તેવો વીડીયો પણ વાયરલ થયો છે જેમાં જાહેર માર્ગો ઉપર ભાજપ પક્ષના ઝંડાઓ લગાવેલા હોય અને ખુલ્લી તલવાર સાથે હોવાના કારણે ડર અને ભયનો માહોલ ઉભો થયો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતાં.
ગૃહમંત્રી હર્ષ સંઘવી આ પિતા–પુત્રનું સરઘસ જાહેરમાં કઢાવશે...?
અસામાજિક તત્વોના સરઘસ નિકળતા હોય છે જંબુસરના કાવી–2 સીટ ઉપર ભાજપના ઉમેદવાર પરાજીત થતાં પિતા–પુત્ર ખુલ્લી તલવારે જાહેર માર્ગ ઉપર નીકળતા ભયનો માહોલ ઉભો થયો હોય આ પિતા –પુત્રનું રીકન્ટ્રકશન કરાવી જાહેરમાં સરઘસ ગૃહમંત્રી કઢાવશે કે પછી પોતાના પક્ષના છે એટલે છાવરી લેશે તેવા સવાલો પણ સોશ્યલ મીડીયા ઉપર ચર્ચાસ્પદ બન્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ