સાવરકુંડલા નજીક બાઢડા ગામમાં હત્યા કેસમાં એલસીબીનો ઝડપી ખુલાસો: ગણતરીની કલાકોમાં બે આરોપી ઝડપાયા
અમરેલી, 01 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં બનેલા હત્યા કેસમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ ઝડપી કામગીરી કરી ગણતરીની કલાકોમાં બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, ત્યા
સાવરકુંડલા નજીક બાઢડા ગામ હત્યા કેસમાં એલસીબીનો ઝડપી ખુલાસો: ગણતરીની કલાકોમાં બે આરોપી ઝડપાયા


અમરેલી, 01 મે (હિ.સ.) :

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં બનેલા હત્યા કેસમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ ઝડપી કામગીરી કરી ગણતરીની કલાકોમાં બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, ત્યારે પોલીસની ઝડપી કાર્યવાહીથી કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ બાઢડા ગામના નિવાસી વિનલેષ રમેશભાઈ ચુડાસમા એક પરિણીત મહિલ પ્રેમ સંબંધમાં હતા. આ સંબંધને કારણે વિવાદ ઊભો થયો હતો. આરોપીઓએ આ બાબતને મનમાં રાખી વિનલેષને શોધી કાઢ્યો અને તેને એકાંત સ્થળે લઈ જઈ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર મારકૂટને કારણે વિનલેષનું મોત નીપજ્યું હતું. આરોપીઓ મૃતદેહને બાઢડા ગામની વિરાણી હાઈસ્કૂલ પાછળ પડતર જગ્યામાં મૂકીને ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે મૃતકના ભાઈ વિહલભાઈ રમેશભાઈ ચુડાસમાએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 54 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભાવનગર રેન્જના આઈજીપી આર.વી. અસારી દ્વારા ફરાર આરોપીઓને ઝડપવા સૂચના આપવામાં આવી હતી. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમને કામગીરી સોંપવામાં આવી હતી.

એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલા તથા તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપી તપાસ હાથ ધરી હતી. જેના પરિણામે વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ (ઉંમર 32, મૂળ અખેગઢ, હાલ સુરત) તથા અમિત મનુભાઈ હડીયા (ઉંમર 26, ધાંડલા, હાલ સુરત)ને ઝડપવામાં સફળતા મળી હતી.

હાલમાં બે અન્ય આરોપી — તરુણ વલ્લભભાઈ બાંભણિયા (કરલા, જેસર) અને વિપિન મનસુખભાઈ કલસરીયા (માળીયા, મહુવા) ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે.

આ કામગીરીમાં પો.ઇ. જે.ડી. વાઘેલા, એમ.ડી. ગોહિલ, એએસઆઈ યુવરાજસિંહ રાઠોડ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે ઝડપી તપાસ કરી આરોપીઓને કાયદાના કટઘરમાં લાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande