
વલસાડ , 01 મે (હિ.સ.) વલસાડ શહેરમાં ધોળા દિવસે વૃદ્ધ મહિલાને ચાકુની અણી પર બાંધી લૂંટ ચલાવનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે ચારેય આરોપીઓને લૂંટાયેલા મુદામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ માટે વલસાડ સિટી પોલીસ સ્ટેશનને સુપરત કર્યા છે.
ગત તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલ વિશાલ કોમ્પ્લેક્ષમાં દિવસ દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ ફ્લેટ નં. ૧૦૨માં ઘુસી વૃદ્ધ મહિલા અને તેમની કામવાળી નિતાબેન રાઠોડને ચપ્પુ વડે ધમકાવી બંધક બનાવી લૂંટ ચલાવી હતી. આરોપીઓએ મહિલાના સોનાના દાગીના, ચાંદીની મૂર્તિઓ, રોકડ રૂપિયા અને મોબાઇલ મળી કુલ ₹૩.૮૬ લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. જતા પહેલા બંને મહિલાના હાથ-પગ બાંધી તેમને ઇજા પહોંચાડી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
આ બનાવ અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
સી.સી.ટી.વી. ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચી નીચે મુજબ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે:
* વિશાલ ઉર્ફે ડીજે કાંબલે (ઉ.વ. ૩૪)* સાંઇ ચૌવાણ (ઉ.વ. ૧૯)* આકાશ ઉર્ફે અક્ષય જાધવ (ઉ.વ. ૧૯)* રંજીત ઉર્ફે તાત્યા માને (ઉ.વ. ૩૧)
તપાસમાં બહાર આવ્યું કે મુખ્ય આરોપી વિશાલ કાંબલે અગાઉ આ કોમ્પ્લેક્ષમાં કલર કામ માટે ગયો હતો અને ત્યાં એકલી વૃદ્ધા રહેતી હોવાની માહિતી મેળવી હતી. તેણે પોતાના સાથીદારો સાથે મળીને રેકી કરીને લૂંટની યોજના બનાવી હતી. બનાવ બાદ ચારેય આરોપીઓ સુરત થઈ ઇન્દોર ભાગી ગયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹૩.૬૧ લાખથી વધુનો મુદ્દામાલ, જેમાં રોકડ રકમ, મોબાઇલ ફોન, ચાંદીના સિક્કા, દાગીના તથા હથિયાર તરીકે ઉપયોગમાં લેવાયેલ ચપ્પુ સહિતની વસ્તુઓ જપ્ત કરી છે.
પકડાયેલા આરોપીઓમાં કેટલાકનો અગાઉથી ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. સમગ્ર કામગીરી એલસીબી અને વલસાડ સિટી પોલીસના સંયુક્ત પ્રયાસોથી પાર પડી છે.
આ બનાવમાં ઝડપી કાર્યવાહીથી પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતા ફરી એકવાર સાબિત થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha