
વલસાડ, 01 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ દમણથી સુરત તરફ ચોરીછૂપીથી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે એક રેનોલ્ટ સ્કાલા કારમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી રૂ.1,87,920 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને એક આરોપીને ઝડપ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે કિકરલા ગામે ઉદવાડા ફુડ નજીક રોડ પર ચેકિંગ દરમિયાન સિલ્વર કલરની રેનોલ્ટ સ્કાલા કાર નં. GJ-06-FC-7902 ને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 432 બોટલ (77.760 લિટર) મળી આવી હતી.
આ મામલે કાર ચાલક અનીલ અરવિંદભાઈ પોપટભાઈ રાદડીયા (ઉંમર 38, રહેવાસી વરાછા, સુરત) ને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કુલ રૂ.6,92,920 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં કાર, દારૂ અને મોબાઇલનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બે વોન્ટેડ આરોપીઓના નામ પણ સામે આવ્યા છે, જેમાં દારૂ ભરેલી કાર આપનાર ‘કનુકાકા’ અને જથ્થો મંગાવનાર ધર્મેશભાઈ ઉર્ફે ધમો લહેરી (રહેવાસી વરાછા, સુરત)નો સમાવેશ થાય છે.
આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી વલસાડ LCBના પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.જી. વસાવા અને ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha