

પોરબંદર, 01 મે (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદર મનપામાં તમામ 52 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે વોર્ડ નં 5 માં વિજેતા થયેલા ઉમેદવાર અને કોર્પોરેટર ધર્મેશભાઈ પરમાર જીત બાદ પોતે આપેલા વચન નિભાવવા લોકો વચ્ચે જોવા મળ્યા હતા અને લોકોની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. આજે તા. 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે નવનિયુક્ત કોર્પોરેટર ધર્મેશભાઈ પરમાર વિજેતા બન્યા બાદ પ્રથમ વખત તેમના વોર્ડમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સાથે પહોંચ્યા હતા. જ્યાં ચેતનાબેનના હાથે નાળિયર વધેરી વોર્ડ કાર્યનો શુભારંભ કર્યો હતો. જેમાં તેઓએ જાતે ઝાડુ હાથમાં લઈ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ તકે, ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, જે પ્રકારે અમે લોકો પાસે ચૂંટણી પૂર્વે મત માંગવા આવ્યા હતા અને લોકોએ અમારા પર વિશ્વાસ મૂકી અમોને જીત અપાવી છે ત્યારે આજે અમે લોકોની વચ્ચે પહોંચ્યા છે. અને લોકોને જે સમસ્યાઓ હશે તે સમસ્યાનું નિરાકરણ કરવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડમાં સફાઈની જરૂરિયાત જણાતા કોર્પોરેટર બનેલા ધર્મેશભાઈ પરમારે જાતે ઝાડુ લઇ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya