
પાટણ, 02 મે (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે આવેલી રામદેવ ગૌશાળામાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ગૌશાળામાં સંગ્રહિત મોટા પ્રમાણમાં સુકો ઘાસચારો તેની ઝપેટમાં આવી ગયો. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા, જેના કારણે સ્થાનિક લોકો અને ગૌ સેવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ગૌ સેવકોએ ભારે મહેનત કરીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા પ્રયાસો બાદ આગને સંપૂર્ણ રીતે બુઝાવી દેવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈપણ પશુને હાનિ પહોંચી નથી.
પરંતુ આગને કારણે ગૌશાળામાં રાખેલો તમામ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો, જેના કારણે સંચાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અજ્ઞાત છે અને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ