

ગાંધીનગર, 02 મે (હિ.સ.) : ગુજરાત સ્થાપના દિવસના પવિત્ર અવસરે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા અને Immerso-Eros Wellness કંપનીના સંયુક્ત ઉપક્રમે, સેક્ટર-૩ ખાતે આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (આયુષ્માન આરોગ્ય મંદિર) માં ૧લી મે ૨૦૨૬ ના રોજ અત્યાધુનિક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેકનોલોજી આધારિત આરોગ્ય સેવાઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ નવતર સુવિધાનું ઉદ્ઘાટન ગાંધીનગરના મેયર મીરાબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય (ઉત્તર), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, આરોગ્ય સમિતિના ચેરમેન-વાઈસ ચેરમેન, સ્થાનિક કાઉન્સિલરઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
AI ટેકનોલોજીથી સેકન્ડોમાં થશે સચોટ નિદાન:
આ સેવાની વિશેષતા એ છે કે તેમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્દીના શરીરને સ્પર્શ કર્યા વિના અથવા ન્યૂનતમ હસ્તક્ષેપ સાથે વિવિધ મહત્વપૂર્ણ રિપોર્ટ્સ ત્વરિત મેળવી શકાશે.
જેમાં મુખ્યત્વે:
બ્લડ પ્રેશર અને સુગરનું પ્રમાણ
હિમોગ્લોબિન અને SpO_2 (ઓક્સિજન લેવલ)
હૃદયની સ્થિતિ અને ફેફસાની કાર્યક્ષમતા
શરીરમાં ફેટનું સચોટ પ્રમાણ
વધુમાં, આ સેન્ટરમાં ફેસ રીડિંગ સોફ્ટવેરની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે ચહેરાના હાવભાવ પરથી વ્યક્તિના માનસિક તણાવ (Stress Level) નું વિશ્લેષણ કરી શકશે, જેનાથી નાગરિકોને માનસિક સ્વાસ્થ્ય બાબતે યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહેશે.
આ પ્રસંગે મેયરએ જણાવ્યું હતું કે, સ્થાપના દિને ટેકનોલોજીના માધ્યમથી સ્વાસ્થ્ય સુવિધાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવી એ જ સાચા અર્થમાં શહેરનો વિકાસ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ