
પાટણ, 02 મે (હિ.સ.)પાટણ-શિહોરી હાઇવે પર મોટા નાયતા ગામ નજીક રાત્રે લગભગ 8:15 વાગ્યે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આઈસર ટ્રકે મોટરસાઈકલને ટક્કર મારતા રેલવે કર્મચારી લાલાભાઈ રાવળ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
લાલાભાઈ રાવળ, જે પાટણના નિર્મળનગરમાં રહે છે અને કેન્દ્ર રેલવે વિભાગમાં ગેંટમેન તરીકે ફરજ બજાવે છે, તેઓ પોતાની સ્પ્લેન્ડર બાઈક પર નોકરી પર જઈ રહ્યા હતા. મોટા નાયતા ગામથી અડધા કિલોમીટર દૂર સામેથી આવી રહેલી ટ્રકના ચાલકે બેદરકારીથી વાહન હંકારી તેમની બાઈકને અથડાવી હતી.
અકસ્માતમાં લાલાભાઈને મોઢા અને જડબામાં ફ્રેક્ચર, માથાના પાછળના ભાગે અને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરસ્વતી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ