
પાટણ, 02 મે (હિ.સ.) : પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના નવા હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે, જે તાલુકા પંચાયતો અને ચૂંટાયેલા સભ્યોના અભિપ્રાયો મેળવી રહ્યા છે. જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતના પદો માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે. નિરીક્ષકો દિલીપ પટેલ, બાબુભાઈ જેબલિયા અને આશાબેન નકુમ સદસ્યો સાથે મુલાકાત કરીને અભિપ્રાયો એકત્ર કરી રહ્યા છે.
પ્રથમ દિવસે સાત તાલુકા પંચાયતોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જ્યારે બીજા દિવસે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાઓ માટે અભિપ્રાય લેવાશે. ત્યારબાદ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની પસંદગી માટે પ્રક્રિયા યોજાશે. નિરીક્ષકોનો અહેવાલ જિલ્લા સંકલન સમિતિને સોંપ્યા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ થશે. અંતે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા નામોને મંજૂરી મળ્યા બાદ તમામ સંસ્થાઓના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ