
વાપી , 02 મે (હિ.સ.) વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આરોગ્યપ્રદ, સુલભ અને રમતીયાળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને આગળ વધારતા ચલા વિસ્તારમાં સ્વામિનારાયણ સ્કૂલ નજીક આવેલ મનપા હસ્તકનું જાહેર સ્વિમિંગ પૂલ મરામત અને રેનોવેશન બાદ ફરી જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ સ્વિમિંગ પૂલનો મુખ્ય હેતુ શહેરના નાગરિકો, યુવાનો અને બાળકોને ઓછી અને સહાયિત ફી પર ઉત્તમ સ્વિમિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. મનપા દ્વારા નિમણૂક કરાયેલ એજન્સી પૂલની કામગીરી અને જાળવણી સંભાળશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળી રહે.
ચલા સ્થિત આ સ્વિમિંગ પૂલનો લાભ સામાન્ય નાગરિકો ઉપરાંત સ્વિમિંગ શીખવા ઇચ્છુક બાળકો અને પ્રોફેશનલ સ્તરે પ્રેક્ટિસ કરતા સ્વિમર્સને પણ મળશે. આ સુવિધા જાહેર ઉપયોગ સાથે તાલીમ માટે પણ ઉપલબ્ધ રહેશે.
મનપા દ્વારા જરૂરી ટ્રેનર, ઓપરેશન સ્ટાફ, સુરક્ષા તેમજ જાળવણીની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત, સામાન્ય જનતાને ન્યૂનતમ રાહત દરે આ સુવિધાનો લાભ મળે તે માટે ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે.
વાપી મહાનગરપાલિકાનો આ પ્રયાસ શહેરના નાગરિકોમાં આરોગ્ય જાગૃતિ અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha