
વલસાડ,02 મે (હિ.સ.) ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીઓ અને સામાન્ય ચૂંટણીઓમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પરાજય બાદ પક્ષમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને AICC સભ્ય ગૌરવ પંડ્યા એ પક્ષની શરમજનક હાર અંગે પ્રદેશ નેતૃત્વ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે.
ગૌરવ પંડ્યાએ પ્રદેશ કોંગ્રેસના વર્તમાન માળખાને સંપૂર્ણ નિષ્ફળ ગણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, હવે સામાન્ય ફેરફાર કે ‘રિપેરિંગ’થી કામ ચાલશે નહીં, પરંતુ સમગ્ર સંગઠનને વિખેરીને નવેસરથી મજબૂત માળખું ઊભું કરવાની જરૂર છે.
તેમણે આક્ષેપ કર્યો કે, વર્તમાન સંગઠન લોકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. પરાજયના મુખ્ય કારણ તરીકે કાર્યકરો અને નેતાઓ વચ્ચે સંકલનનો અભાવ તથા જનસંપર્કની ઉણપને જવાબદાર ઠેરવ્યા છે.
પંડ્યાએ સંગઠનમાં નવા લોહીની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, યુવાનોને તક આપવી જરૂરી છે, જેથી પક્ષમાં નવી ઊર્જા આવી શકે. સાથે જ તેમણે દિલ્હી સ્થિત હાઈકમાન્ડ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.
તેમણે ચેતવણી આપી કે જો તાત્કાલિક કડક નિર્ણયો લેવામાં નહીં આવે, તો આવનારી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ વધુ નબળી બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી ના ગઢ ગણાતા વિસ્તારોમાં પ્રભાવ જમાવવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ હવે આંતરિક વિખવાદના કારણે વધુ મુશ્કેલીમાં મુકાઈ રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha