વલસાડમાં જલારામ ખમણ હાઉસમાં નશાખોરનો આતંક: છુટ્ટા પૈસાની વાતે તોડફોડ અને મારામારી, વીડિયો વાયરલ
વલસાડ, 02 મે (હિ.સ.) : વલસાડના ધરમપુર ચોકડી વિસ્તારમાં આવેલ જાણીતા જલારામ ખમણ હાઉસમાં એક નશામાં ધૂત ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. માત્ર છુટ્ટા પૈસાની સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ તોડફોડ અને મારામારી સુધી પહોંચતા દુકાનમાં અફરાતફરી
સી.સી.ટી.વી  ફુટેજ


વલસાડ, 02 મે (હિ.સ.) : વલસાડના ધરમપુર ચોકડી વિસ્તારમાં આવેલ જાણીતા જલારામ ખમણ હાઉસમાં એક નશામાં ધૂત ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. માત્ર છુટ્ટા પૈસાની સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ તોડફોડ અને મારામારી સુધી પહોંચતા દુકાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી અને મોબાઈલ કેમેરામાં કેદ થતા તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

માહિતી અનુસાર, ગત 1 મેના રોજ બપોરના સમયે એક અલ્ટો કારમાં આવેલ ગ્રાહક નશાની હાલતમાં દુકાને આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, છુટ્ટા પૈસાની લેતીદેતી બાબતે ગ્રાહક અને કાઉન્ટર પરના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડી જ વારમાં આ બોલાચાલી ઉગ્ર બની જતા ગ્રાહકે પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. નશાના જોરમાં આ વ્યક્તિએ દુકાનના કર્મચારીઓ પર હાથ ઉઠાવ્યો હતો અને કાઉન્ટર પર પડેલી ચીજવસ્તુઓની તોડફોડ કરી હતી. આ અચાનક બનેલી ઘટનાથી દુકાનમાં હાજર અન્ય ગ્રાહકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘણા લોકો દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા.

ઘટનાની જાણ થતા આસપાસના દુકાનદારો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને કરવામાં આવી હતી. પોલીસે વાયરલ વીડિયો અને મળેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. હાલ આરોપીની ઓળખ તેમજ તેની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. હવે જોવાનું રહ્યું કે જાહેરમાં આ રીતે હુલ્લડ મચાવનાર આરોપી પોલીસના હાથમાં ક્યારે આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande