
સુરત, 02 મે (હિ.સ.) : સુરત શહેરનાં અલથાણ વિસ્તારમાં આજે સવારે બેફામ દોડી રહેલા ડમ્પરનાં ચાલકે મોપેડને અડફેટે લેતાં ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી અને હાલમાં ડમ્પર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આજથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે હેલમેટની સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. દર વર્ષે આ રીતે ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોમાં હેલમેટ પહેરવા અંગેની ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે પરંતુ શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા ટ્રક - બસ અને ડમ્પર ચાલકો વિરૂદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા ધરાર આંખ આડા કાન કરવામાં આવતાં હોય છે. માત્ર કાગળ પર પ્રતિબંધિત સમયનું જાહેરનામું હોય તેમ શહેરનાં રસ્તાઓ પર બેફામ દોડતા ટ્રક - ડમ્પરના અડફેટે છાશવારે નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓ ગમખ્વાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આવી જ એક ઘટના આજે અલથાણ ખાતે સર્જાવા પામી છે. અલથાણ ખાતે આવેલ મેટ્રો મોલની સામે પસાર થઈ રહેલ મોપેડ સવારને બેફામ દોડી રહેલા ડમ્પરે અડફેટે લેતાં મોપેડ સવાર યુવક રસ્તા પર પટકાયો હતો. દુર્ઘટનાને પગલે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ડમ્પરનાં ચાલક વિરૂદ્ધ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે