
અમરેલી, 02 મે (હિ.સ.) : ઉનાળાનો તાપમાન સતત વધતા લોકો ઠંડક મેળવવા માટે વિવિધ પ્રવાહી પદાર્થો તરફ વળતા થયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, જેના કારણે લોકો ઠંડક અને તાજગી માટે લચ્છી વધુ પસંદ કરી રહ્યા છે. લચ્છી માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ શરીરને ઠંડક આપતી પીણું હોવાથી ઉનાળામાં તેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં લચ્છીના સ્ટોલ અને દુકાનો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને બપોરના સમયે અને સાંજના સમયે લોકો લચ્છી પીવા માટે ઉમટી પડે છે. ઠંડક આપતી આ પીણું ઉનાળાની ગરમી સામે એક સસ્તું અને સ્વસ્થ વિકલ્પ બની ગયું છે.
લચ્છી વેચતા વેપારી ઈરફાન જાખરા જણાવે છે કે તેમના પિતાએ લગભગ 45 વર્ષ પહેલા આ વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં 1 રૂપિયામાં આખો ગ્લાસ અને 50 પૈસામાં અડધો ગ્લાસ લચ્છી વેચવામાં આવતી હતી. સમય સાથે ભાવમાં વધારો થયો છે અને હાલમાં 15 થી 25 રૂપિયામાં લચ્છી વેચવામાં આવે છે. તેમ છતાં, લોકોની માંગમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે ઉનાળાના સમયમાં રોજના અંદાજે 500 ગ્લાસ લચ્છીનું વેચાણ થાય છે. એક ગ્લાસ પર આશરે 2 થી 4 રૂપિયાનો નફો થાય છે, જેનાથી સારો રોજગાર ઉભો થાય છે. તેઓ લચ્છી સંપૂર્ણપણે નેચરલ રીતે બનાવે છે, જેમાં કોઈ કેમિકલ કે પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થતો નથી. આ કારણે ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે અને લોકો વારંવાર તેમની દુકાને આવવાનું પસંદ કરે છે.
ગરમીમાં ઠંડક આપતી લચ્છી માત્ર પીણું નહીં પરંતુ એક પરંપરાગત સ્વાદ છે, જે લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. ઉનાળાના દિવસોમાં લચ્છીનો સ્વાદ માણવો લોકો માટે એક પ્રકારની રાહત સમાન બની ગયો છે. આ રીતે વધતી ગરમી વચ્ચે લચ્છીનો વ્યવસાય નાના વેપારીઓ માટે રોજગારનું એક મહત્વપૂર્ણ સાધન બની રહ્યો છે, જ્યારે ગ્રાહકો માટે તે આરોગ્યપ્રદ અને તાજગીભર્યો વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai