ગરમીનો કહેર: સાવરકુંડલામાં પાવભાજી વેપાર પર અસર, ગ્રાહકોમાં 30% સુધી ઘટાડો
અમરેલી, 02 મે (હિ.સ.) : ઉનાળાની તીવ્ર ગરમીના કારણે લોકોના ખાવા-પીવાની ટેવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. સતત વધતા તાપમાનને કારણે લોકો ભારે અને મસાલેદાર ખોરાક ટાળીને લિક્વિડ પીણાં તરફ વધુ વળી રહ્યા છે. આ બદલાવનો સીધો અસર ખાદ્ય વ્યવસાય પર પડી
ગરમીનો કહેર: સાવરકુંડલામાં પાવભાજી વેપાર પર અસર, ગ્રાહકોમાં 30% સુધી ઘટાડો


અમરેલી, 02 મે (હિ.સ.) : ઉનાળાની તીવ્ર ગરમીના કારણે લોકોના ખાવા-પીવાની ટેવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. સતત વધતા તાપમાનને કારણે લોકો ભારે અને મસાલેદાર ખોરાક ટાળીને લિક્વિડ પીણાં તરફ વધુ વળી રહ્યા છે. આ બદલાવનો સીધો અસર ખાદ્ય વ્યવસાય પર પડી રહ્યો છે. ખાસ કરીને અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં પ્રસિદ્ધ પાવભાજી વેપાર પર ગરમીનો નકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે.

સાવરકુંડલામાં પાવભાજી માટે જાણીતા વિપુલભાઈ ડાભી છેલ્લા 45 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. મહુવા રોડ પર આવેલી તેમની શોપ શહેરમાં ખૂબ લોકપ્રિય છે અને તેઓ પોતે જ ગ્રાહકોને પાવભાજી પીરસે છે. તેમના જણાવ્યા મુજબ, માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ અમરેલી જિલ્લા તેમજ આજુબાજુના પાંચ તાલુકાઓમાંથી લોકો ખાસ પાવભાજી ખાવા માટે અહીં આવે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં સતત વધતા તાપમાનના કારણે ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વિપુલભાઈ જણાવે છે કે છેલ્લા કેટલાક દિવસોથી પાવભાજીના વેચાણમાં લગભગ 30 ટકા જેટલો ઘટાડો થયો છે. ગરમીને કારણે લોકો ભારે ખોરાક ખાવા કરતાં ઠંડા પીણાં, જ્યુસ અને અન્ય લિક્વિડ વસ્તુઓને વધુ પસંદ કરી રહ્યા છે. પરિણામે દુકાનો પર પહેલા જેવી ભીડ જોવા મળતી નથી.

સાવરકુંડલા શહેરમાં અંદાજે 15થી વધુ પાવભાજીની દુકાનો આવેલી છે, અને તમામ વેપારીઓ સમાન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ, દરેક દુકાન પર 30થી 40 ટકા સુધી ગ્રાહકોમાં ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહે તો નાના વેપારીઓ માટે આર્થિક મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ રીતે ઉનાળાની ગરમી માત્ર લોકોના આરોગ્ય અને જીવનશૈલી પર જ નહીં, પરંતુ સ્થાનિક વેપાર પર પણ ગંભીર અસર કરી રહી છે. વેપારીઓ હવે વરસાદી મોસમની રાહ જોઈ રહ્યા છે, જેથી ફરીથી ગ્રાહકોની ભીડ વધે અને વેપારને ગતિ મળે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande