
જામનગર, 02 મે (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા આવતીકાલે બપોરે ૨:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન યોજાનારી NEET(UG) ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સુચારુ રીતે અને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમની સૂચના મુજબ જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે ખાસ રૂટ વાઇઝ બસોની ફાળવણી કરવામાં આવી છે.
આ વ્યવસ્થા હેઠળ જામનગર એસ.ટી. વિભાગ દ્વારા વાલસુરા અને અલીયાબાડા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતેના પરીક્ષા કેન્દ્રો માટે એસ.ટી. ડેપોથી સવારે ૮:૦૦, ૯:૦૦ અને ૯:૩૦ કલાકે બસો ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત શહેરના અન્ય કેન્દ્રો જેવા કે કેન્દ્રીય વિદ્યાલય-૧ (એરફોર્સ સ્ટેશન-૧), કેન્દ્રીય વિદ્યાલય-૨ (ઇન્ફેન્ટ્રી લાઈન્સ) અને ડીકેવી કોલેજ ખાતે પહોંચવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સીટી બસ ફાળવવામાં આવી છે.
આ બસ એસ.ટી. ડેપોથી સવારે ૮:૩૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી સતત કાર્યરત રહેશે અને નિર્ધારિત કેન્દ્રો પર વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવા માટે આયોજનબદ્ધ રીતે ટ્રીપ પૂર્ણ કરશે. વહીવટી તંત્રના આ સંકલિત પ્રયાસોને કારણે પરીક્ષાર્થીઓ કોઈપણ અવરોધ વગર અને માનસિક શાંતિ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt