વરસામેડી કેનાલ પાસે અંજાર પોલીસે દેશી બંદુક સાથે બે શખ્સ ઝડપ્યા, ભચાઉના કુખ્યાત તત્વો ફરી કાયદાની ઝપેટમાં
કચ્છ, 02 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં અસામાજિક તત્વો પર કડક નજર રાખવા માટે ચાલી રહેલી પોલીસની સઘન કામગીરી દરમિયાન અંજાર પોલીસને મોટી સફળતા મળી છે. અંજાર પોલીસ સ્ટેશનની ટીમે વરસામેડી સીમ વિસ્તારમાં કેનાલ પાસે ચોક્કસ બાતમીના આધારે દરોડા જેવી કાર
વરસામેડી પાસેથી પકડાયેલ આરોપીઓ


વરસામેડી પાસેથી પકડાયેલ આરોપીઓ


કચ્છ, 02 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં અસામાજિક તત્વો પર કડક નજર રાખવા માટે ચાલી રહેલી પોલીસની સઘન કામગીરી દરમિયાન અંજાર પોલીસને મોટી સફળતા મળી છે. અંજાર પોલીસ સ્ટેશનની ટીમે વરસામેડી સીમ વિસ્તારમાં કેનાલ પાસે ચોક્કસ બાતમીના આધારે દરોડા જેવી કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટની બંદુક તેમજ એક મોટરસાયકલ કબ્જે કરવામાં આવી છે. ઝડપાયેલા બંને આરોપીઓ ભચાઉ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે અને બંનેનો ગુનાહિત ભૂતકાળ પણ ચોંકાવનારો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમાર તથા બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો, અસામાજિક તત્વો અને સંભવિત ગુનાખોરી અટકાવવા માટે વિશેષ ડ્રાઈવ ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એ.આર. ગોહિલે સ્ટાફને પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે વોચ વધારવા સૂચના આપી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વરસામેડી સીમમાં કેનાલ ઉપર બે શંકાસ્પદ શખ્સો હથિયાર સાથે ફરી રહ્યા છે.

બાતમીને ગંભીરતાથી લઈ અંજાર પોલીસની ટીમે તરત જ સ્થળ પર પહોંચી સાવચેતીપૂર્વક ઘેરાબંધી કરી હતી. પોલીસની હાજરી જોઈ બંને શખ્સો ભાગવાનો પ્રયાસ કરે તે પહેલાં જ તેમને કાબૂમાં લઈ તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન એક દેશી હાથ બનાવટની બંદુક મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વધુ તપાસમાં આરોપીઓ પાસે રહેલી મોટરસાયકલ પણ કબ્જે લેવામાં આવી હતી. હથિયાર સહિત કુલ મુદ્દામાલ જપ્ત કરીને બંને સામે ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓમાં સબીર કેશર બારેજા, ઉંમર ૩૩, રહે હિંમતપુરા ભચાઉ અને સમીર ગુલમામદ સીદી, ઉંમર ૨૩, રહે હિંમતપુરા ભચાઉનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ સામાન્ય શખ્સો નહીં પરંતુ પોલીસ ચોપડે અગાઉથી નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. સબીર કેશર બારેજા વિરુદ્ધ હત્યાના પ્રયાસથી લઈને મારામારી, ચોરી, ચોરીનો માલ રાખવો અને અન્ય ગંભીર ગુનાઓ હેઠળ ભચાઉ તથા પાટણ જિલ્લાના સમી પોલીસ મથકે અનેક ગુનાઓ નોંધાયેલા છે. બીજી તરફ સમીર ગુલમામદ સીદી સામે પણ જી.પી. એક્ટ, ચોરી, નુકસાન અને બી.એન.એસ. હેઠળના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે. બંને આરોપીઓના ભૂતકાળને જોતા તેઓ કોઈ ગંભીર ગુનાખોરીની તૈયારીમાં તો નહોતા ને? તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે.

અંજાર પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર હથિયારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. તાજેતરમાં અસામાજિક તત્વોની હલચલને ધ્યાનમાં રાખી પોલીસ સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને બાતમીદારો મારફતે મોનિટરિંગ કરી રહી છે. તે જ પ્રયત્નોના પરિણામે આ સફળતા હાથ લાગી હોવાનું માનવામાં આવે છે. દેશી બનાવટની બંદુક જેવી જીવલેણ ચીજ સાથે આરોપીઓ પકડાતા વિસ્તારના લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી, જોકે પોલીસે સમયસર કાર્યવાહી કરી સંભવિત ગુનાખોરીને અટકાવી હોવાનું મનાઈ રહ્યું છે.

આ સમગ્ર કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એ.આર. ગોહિલ, પી.એસ.આઈ. એસ.જી. વાળા તથા પોલીસ સ્ટાફના જવાનો સક્રિય રીતે જોડાયા હતા. ટીમની ઝડપી કામગીરી અને સતર્કતાના કારણે પૂર્વ કચ્છ પોલીસને વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. હવે પોલીસ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરીને હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું, તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો અને તેમની સાથે અન્ય કોણ સંકળાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande