પોકસોના ગંભીર ગુનામાં ભચાઉ પોલીસની ઝડપી કાર્યવાહી : ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
કચ્છ, 02 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં પોકસો સહિતના ગંભીર ગુનામાં ભચાઉ પોલીસે ચુસ્ત કામગીરી કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતા કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે. જિલ્લામાં વધી રહેલા ગંભીર પ્રકારના ગુનાઓન
ભચાઉ પોક્સો કેસનો આરોપી


કચ્છ, 02 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં પોકસો સહિતના ગંભીર ગુનામાં ભચાઉ પોલીસે ચુસ્ત કામગીરી કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતા કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે. જિલ્લામાં વધી રહેલા ગંભીર પ્રકારના ગુનાઓને અટકાવવા તેમજ ગુનાખોરી કરનાર તત્વોને ઝડપથી કાબૂમાં લેવા માટે પોલીસ મહાનીરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સતત સક્રિય બની છે. આ જ દિશામાં નોંધાયેલા પોકસોના સંવેદનશીલ ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

ભચાઉ પોલીસ સ્ટેશનમાં તા. 16 માર્ચ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો તેમજ પોકસો એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાતા સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલાએ આરોપીને વહેલી તકે ઝડપી પાડવા તાબાના સ્ટાફને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ગુનો નોંધાયા બાદ પોલીસે પરંપરાગત તપાસની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક સૂત્રોની મદદથી આરોપીની હિલચાલ પર નજર ગોઠવી હતી.

પોલીસની સતત દેખરેખ અને સુવ્યવસ્થિત ટ્રેકિંગના આધારે આરોપી અજય ઉર્ફે અજીયો બાબુભાઈ મહેશ્વરી, ઉંમર 24 વર્ષ, રહે. રોટરીક્લબ ભવાનીપુર, ભચાઉ તથા મૂળ વતન વજેપર તાલુકો રાપર,ને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢવામાં આવ્યો હતો. મજૂરી કામ સાથે સંકળાયેલા આ આરોપી વિરુદ્ધ પોલીસે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર પ્રકારના ગુનામાં આરોપીને ઝડપથી કસ્ટડીમાં લેતા ભચાઉ શહેર તથા આસપાસના વિસ્તારમાં પોલીસે કડક સંદેશો આપ્યો છે કે મહિલાઓ અને બાળાઓ સામેના ગુનાઓમાં કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં નહીં આવે.

આ સમગ્ર કામગીરી દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ સાથે સર્વેલન્સ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટેકનિકલ માહિતી, મોબાઈલ સર્વેલન્સ અને માનવબળના સંકલનથી પોલીસે આરોપીને ફરાર થવાની તક જ આપી નહોતી. સામાન્ય રીતે આવા ગુનાઓમાં આરોપી સ્થાન બદલી દેતા તપાસ લાંબી ચાલતી હોય છે, પરંતુ ભચાઉ પોલીસે સુચિત આયોજન સાથે કાર્યવાહી કરતા ટૂંકા સમયમાં સફળતા મેળવી હતી.

પોકસો જેવા સંવેદનશીલ ગુનામાં પોલીસની ઝડપી કામગીરીને કારણે સ્થાનિક નાગરિકોમાં વિશ્વાસનું વાતાવરણ મજબૂત બન્યું છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગંભીર ગુનાઓમાં ઝડપી શોધખોળ અને આરોપીઓને કાયદાની પકડમાં લાવવાના પ્રયાસો તેજ બન્યા છે. ભચાઉ પોલીસની આ સફળ કામગીરીથી સ્પષ્ટ થયું છે કે કાયદાનો ભંગ કરનાર અને નિર્દોષ બાળકો સામે અપરાધ આચરનાર કોઈપણ તત્વ હવે પોલીસની નજરથી બચી શકશે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande